1 કરોડથી પણ વધુ ભકતો માંનાં દર્શનાર્થે ઉમટશે તેવી આશા: પાટીદાર એકસ્પો, વ્યસન મુકિત, એમ્યુઝમેન્ટ પાર્ક, બાળનગરી જેવા અનેકવિધ આયોજનો લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર
૫૦૦૦થી પણ વધુ બહેનો જવારા વાવણી કાર્યક્રમમાં જોડાઈ રેકોર્ડ સર્જશે: ૧૧૦૦થી વધુ બ્રાહ્મણો દ્વારા એક લાખ ચંડીપાઠનું ૧લી ડિસેમ્બરથી કરાશે વૈદિક રીતે પઠન
કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૦ લાખ આમંત્રણ પત્રિકા પહોંચાડવાનો લક્ષ્યાંક: અમેરિકા, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઘેર-ઘેર પહોંચી માં ઉમિયાની કંકોત્રી
ઉંઝા મુકામે આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બરનાં રોજ યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો વિશ્વભરમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજમાં હાલ અનેકવિધ લોકો પોતાનાં તન, મન અને ધનથી સહકાર આપી કેવી રીતે લક્ષચંડી મહાયજ્ઞને સુપેરી રીતે પાર પાડવું તે દિશામાં કામગીરી પણ હાથધરી રહ્યા છે. ઠેર-ઠેર માંનું તેડુ એટલે કે માની કંકોત્રીને વધાવવા માટે ગામવાસીઓ આનંદ અને ઉલ્લાસભેર ફુલેકુ કાઢી માની કંકોત્રીને માન આપી રહ્યા છે અને તેને આવકારી પણ રહ્યા છે. કડવા પાટીદાર સમાજ દ્વારા હાલ જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેનાથી માત્ર કડવા પટેલ સમાજ જ નહીં પરંતુ સમગ્ર સમાજને આવરી લઈ આ મોટું કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
સંસ્થાનાં આગેવાનો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી માં ઉમિયા જયાં બિરાજમાન છે તે ઉંઝા ખાતે આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હાલ ભુતો ન ભવિષ્યતી જેવું આયોજન પણ માનવામાં આવ્યું છે. લક્ષચંડી મહાયજ્ઞમાં ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાનાં યજમાન બિરાજમાન થશે. લક્ષચંડી મહાયજ્ઞ પહેલા ઉમિયાધામમાં ૧લી ડિસેમ્બરથી સળંગ ૧૬ દિવસ સુધી ૧૧૦૦ ચદીપાઠનું પઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે. ૧લી ડિસેમ્બરથી ૧ લાખ ચંદીપાઠનાં પઠનનો શાસ્ત્રોકતવિધિ પ્રમાણે પ્રારંભ કરવામાં આવશે ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે જેમાં એક લાખ ચંદીપાઠનાં ૧૦માં ભાગનાં ૧૦,૦૦૦ પાઠની શાસ્ત્રોકતવિધિથી આહુતી પણ આપવામાં આવશે. લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે ઠેર-ઠેર જગ્યા પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષચંડી મહાયજ્ઞ પૂર્વે વિશ્વભરમાં ખાસ કરીને તો કેનેડા, પોલેન્ડ, ન્યુઝીલેન્ડ ખાતે માં ઉમિયાની કંકોત્રી પહોંચાડવામાં આવી હતી જયાં હર્ષભેર તેઓને આવકારવામાં પણ આવ્યા હતા. સંસ્થાનાં અંદાજ મુજબ દરરોજ એક લાખ લોકોની રોકાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાલક્ષચંડી મહાયજ્ઞમાં ઉછામણી જે કરવામાં આવી હતી તેમાં સંસ્થાને ૭.૫૦ કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. ઉછામણીની જયારે વાત કરવામાં આવે તો ઉછામણીમાં ૯ પાટલાનું આયોજન કરવામાં આવ્યું છે. દૈનિક પાટલા માટે દરરોજનાં ૧૧૦૦ જેટલા પાટલાઓનું આયોજન કરાયું છે જે એક પાટલા દીઠ ૧૧૦૦૦ રૂપિયાનું દાન પણ લેવામાં આવ્યું છે. દરરોજનાં જે પાટલાનું આયોજન ઉંઝા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે સર્વજ્ઞાતિનાં લોકો તેમાં સહભાગી થઈ શકે છે. આ તકે એ વાત સ્પષ્ટ થાય છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી આગામી ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી જે આલોકિક કાર્યક્રમ ઉંઝા મુકામે શરૂ થવા જઈ રહ્યો છે તેનાથી લોકોમાં અનેકગણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લક્ષચંડી મહાયજ્ઞ ‘ન ભુતો, ન ભવિષ્યતી’ જેવો યજ્ઞ: બાબુભાઈ જમનાભાઈ પટેલ
સંસ્થાનાં પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ (બીજેપી)એ અબતક સાથે વાતચીત કરતાં જણાવયું હતું કે, લક્ષચંડી મહાયજ્ઞ ‘ન ભુતો, ન ભવિષ્યતી’ જેવો યજ્ઞ છે જેમાં કુલ ૧૮ કરોડથી પણ વધુનો ખર્ચ થશે. ૮૦૦ વિઘા જમીનમાં જે યજ્ઞનું આયોજન થવા જનાર છે તેમાં દેશ-વિદેશથી ભાવિક ભકતો ખુબ જ મોટા પ્રમાણમાં ઉમટી પડશે. આ યજ્ઞ ઉંઝાનો યજ્ઞ નથી પરંતુ નવ ખંડે ધરતી પર વસતા સમગ્ર હિન્દુ વસ્તી માટેનો આ યજ્ઞ છે. આ યજ્ઞ વિવિધતામાં એકતાનો યજ્ઞ છે. લક્ષચંડી મહાયજ્ઞ ફકત પાટીદાર સમાજ માટે નહીં પરંતુ તમામ જ્ઞાતિ તથા લોકો માટે છે. કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ૩૦ થી ૩૨ ટકા લોકો તથા અન્ય સમાજનાં લોકો પણ જોડાયા છે. લક્ષચંડી મહાયજ્ઞ માટેનો મુળ હેતુ છે કે આપણી સંસ્કૃતિમાં સંતો-મહંતો, ઋષિમુનીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવતા હતા જે પરંપરા આપણી ભાવિ પેઢી પણ જાળવી રાખે તે હેતુથી આ યજ્ઞમાં તમામ સમાજનાં લોકો જોડાયા છે. હા માત્ર કડવા પાટીદાર સમાજે આનું બીડુ ઝડપ્યું છે. માત્ર લક્ષચંડી યજ્ઞ જ નહીં સાથો સાથ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં
આવ્યું છે જેમાં વ્યસનમુકિતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ દેશનું યુવાધન ધાર્મિક લાગણીઓને ભુલી વ્યસન ઉપર વધુને વધુ કેન્દ્રિત રહેવાથી તેઓનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ તે થતો નથી અને સમાજને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડે છે ત્યારે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવાનું એકમાત્ર કારણ સમાજ નહીં પરંતુ સર્વ સમાજને સાથે રાખી તેમનું માન-સન્માન જળવાય રહે તે દિશામાં પણ કરવામાં આવ્યું છે.
ઉંઝા મુકામે જવારા વાવણીનો કાર્યક્રમ અત્યંત વિશેષ: મણીભાઈ મમ્મી
ઉંઝા ઉમિયા માતા સંસ્થાનાં પ્રમુખ મણીભાઈ મમ્મીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી ૧લી ડિસેમ્બરથી જે યજ્ઞશાળા ફરતે જવારા ગોઠવવામાં આવશે તે પૂર્વે જે વાવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અત્યંત વિશેષ છે. કડવા પાટીદાર સમાજની બહેનો દ્વારા કાર્યની સાથો સાથ માં ઉમિયાની સ્તુતિ, શ્ર્લોકોનું પઠન પણ કરવામાં આવ્યું છે જે વાતાવરણને અત્યંત દિવ્ય બનાવે છે. આગામી ૧લી ડિસેમ્બર રવિવારનાં રોજ ૧૧૦૦ બ્રાહ્મણો અને હજારો ભાવિકભકતો માં ઉમિયાની દિવ્ય જયોત અને ૫૧૦૦ જવારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉમિયા માતા મંદિરથી લક્ષચંડી પાઠશાળાએ પહોંચશે જયાં એક લાખ દુર્ગા સપ્તશતિના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પવિત્ર પાઠશાળાની પ્રદક્ષિણાપથની ફરતે જવારા ગોઠવવામાં આવશે. આ તકે અંદાજે ઉંઝા મુકામે ૫૦૦૦થી પણ વધુ બહેનોએ જવારા વાવણીનાં કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને માં ઉમિયા પ્રત્યેની તેમની અથાગ શ્રદ્ધારૂપે કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ઉંઝા ખાતે આવેલી ઉનાવા દેશની વાડી, બંસીધર સ્કુલ, રંગપુર સમાજની વાડી, ઉમિયા માતા
દેશની વાડી, સંસ્કાર ભવન સમાજ, અચલેશ્વર મહાદેવ, વહાણવટી શો મીલ ખાતે જવારા વાવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાની બહેનો તમામ પ્રકારનાં રીતી-રીવાજો પ્રમાણે જવારા વાવણીમાં જોડાયા હતા અને રેકોર્ડ સર્જવા તરફ પગલા પણ માંડયા હતા. આ કાર્યક્રમ બપોરનાં ૩ વાગ્યાથી શરૂ થઈ સાંજનાં ૬ વાગ્યા સુધી યોજાયો હતો.
લક્ષચંડી મહાયજ્ઞમાં યજમાનપદ મળવું તે સૌથી ભાગ્યશાળી બાબત: અરવિંદભાઈ કે.પટેલ
મેપ રીફાઈનરી ઓઈલ વ્યવસાયનાં સંસ્થાપક અરવિંદભાઈ કે.પટેલ કે જેઓ લક્ષચંડી મહાયજ્ઞનાં બીજા મુખ્ય યજમાન છે તેઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમનો વ્યવસાય રીફાઈનરીનો છે જયાં તેઓ રોજનું ૮૦૦ ટનનું ઉત્પાદન કરે છે સાથો સાથ અનેક પ્રકારનાં ખાદ્ય તેલો પણ બનાવે છે. સમગ્ર ભારત તથા વિદેશમાં મેપ ખાદ્યતેલ મોકલવામાં આવે છે. વધુમાં તેઓએ લક્ષચંડી મહાયજ્ઞ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ આલોકિક કાર્યમાં તેઓને ક્ધવીનર તરીકે પણ નિયુકત કર્યા છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૮ ડિસેમ્બરથી શરૂ થતા મહાલક્ષચંડી મહાયજ્ઞમાં ૧ કરોડથી પણ વધુ ભાવિક ભકતો માતાજીનાં દર્શને આવશે અને પોતાને ધન્ય પણ બનાવશે. લક્ષચંડી મહાયજ્ઞ સિવાય બાળનગરી, એમ્યુઝ પાર્ક, વર્લ્ડ કલાસ લેવલની કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે માહિતી અપાય તે દિશામાં નોલેજ-વિલેજ પણ ઉભું કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ માહિતી જણાવ્યું હતું કે, ૨૦૦૯માં તેઓ પણ યજમાનપદે રહ્યા હતા ત્યારે લક્ષચંડી મહાયજ્ઞમાં તેઓ દ્વારા ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું
દાન આપવામાં આવ્યું છે તથા સમગ્ર આમંત્રણ પત્રિકાઓનાં દાતા તરીકે પણ તેઓએ સેવા કરી પોતે ધન્યતા અનુભવી છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, માં ઉમિયાનાં આશિર્વાદરૂપે તેમનાં દ્વારા આ કાર્ય કરાવવામાં આવ્યું છે.
ધાર્મિક ભાવના સાથે સમાજ સંગઠિત થાય તે કડવા પાટીદાર સમાજનો સૌથી મોટો હેતુ: દિલીપભાઈ નેતાજી
ઉમિયા માતા સંસ્થા ઉંઝાનાં મંત્રીપદે નિયુકત કરાયેલા દિલીપભાઈ નેતાજીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લક્ષચંડી મહાયજ્ઞ સર્વજન હિતાય, સર્વ જન સુખાયનાં હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, ૨૦૦૯માં ઉંઝા ખાતે રજત જયંતી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૫૦ લાખથી પણ વધુ લોકોએ માતા ઉમિયાનાં દર્શનનો લાભ લીધો હતો ત્યારે આવનારા ડિસેમ્બર માસમાં જે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં છેલ્લા ૬ મહિનાથી ૪૫ જેટલી કમિટીઓ અવિરત કામગીરી કરી રહી છે જેનો મુખ્ય હેતુ એ છે કે, ધાર્મિક ભાવના સાથે સમાજમાં સંગઠન પણ વધે અને સમાજ સંગઠિત થાય સાથો સાથ સમાજનો વિકાસ પણ થાય. ગુજરાત સરકારની સ્કિમોનો લાભ કેવી રીતે કડવા પાટીદાર સમાજને મળી રહે તે હેતુથી પણ લક્ષચંડી મહાયજ્ઞમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સ્ટાર્ટઅપ અને અનેકવિધ સેમીનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ વધે તે માટે વાંચનનો સેમીનાર અને બુક ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉધોગ, વેપાર, વાણિજય વગર તથા ઈન્ફ્રાસ્ટ્રકચર પૂર્ણત: ફાળવવામાં આવ્યું છે જેથી આ અલૌકિક પ્રસંગે જે કોઈ ભાવિક ભકતો માતાજીનાં દર્શર્ને ઉમટે તો તેઓને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે. સમગ્ર કાર્યક્રમમાં ૧૮ થી ૨૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. યજ્ઞ કે જે સૌથી મોટું આકર્ષણ અને જે હેતુ દર્શાવવામાં આવ્યો છે યજ્ઞ પણ
શાસ્ત્રોકત પ્રમાણે લોકોની સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે યોજાય તેવું જણાવવામાં આવ્યું છે ત્યારે લક્ષચંડી મહાયજ્ઞ માત્ર કોઈ એક સમાજ કે સંપ્રદાય માટે નહીં પરંતુ આ મહાયજ્ઞ સમગ્ર સમાજ વિશ્વને લાભ થાય તે માટે કરવામાં આવી રહ્યો છે જેમાં દરરોજનાં પાટલારૂપે દરેક સમાજનાં લોકો જોડાઈ શકશે.
આલૌકિક કાર્યને સફળ બનાવવા ૪૫ જેટલી કમિટીઓ ખડેપગે: એમ.એસ. પટેલ (આઈએએસ)
લક્ષચંડી મહાયજ્ઞનાં સમગ્ર પ્રોજેકટનાં ઈન્ચાર્જ તરીકે આઈએએસ એમ.એસ.પટેલે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લક્ષચંડી મહાયજ્ઞ જેવા આલૌકિક કાર્યને સફળ બનાવવા માટે ૪૫ જેટલી કમિટીઓ ખડેપગે કાર્ય કરી રહી છે અને દિવસ-રાત કામ કરી કાર્યને કેવી રીતે સફળ બનાવી શકાય તે દિશામાં હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા ૧૯૭૬માં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ થી ૨૦ લાખ લોકો ઉમિયા મંદિરે દર્શન માટે આવ્યા હતા ત્યારબાદ ૨૦૦૯માં જે આયોજન થયું હતું તેમાં ૪૦ થી ૫૦ લાખ લોકો આવ્યા હતા. ૧૦ વર્ષ પછી આ કાર્યક્રમ ફરીથી થવા જઈ રહ્યો છે જેનો ઉત્સાહ ચોમેર જગ્યા પર જોવા મળી રહ્યો છે. ઉમિયા મંદિર સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે લાખો પાટીદાર પરીવાર જોડાયા છે ત્યારે એક આસ્થા અને શ્રદ્ધા સાથેનાં પર્વ ભવિષ્ય અને આગામી ભાવી પેઢીને યાદ રહે તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ૮૦૦ વિઘા જમીન કે જે ઉંઝાની સીમમાં આવેલી છે તે સ્થાન પર આ દિવ્ય કાર્ય પાર પાડવામાં આવશે જેના માટે માં ઉમિયાને તમામ લોકો પ્રાર્થના અને અર્ચના પણ કરી રહ્યા છે. આ વિશેષ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે ૪૫ જેટલી કમિટીઓ કાર્યરત છે. પાટીદારોનાં ૧૦ લાખ ઘરોમાં સ્વયંસેવકો દ્વારા માતાજીની કંકોત્રી રૂબરૂ પહોંચાડવામાં આવે છે. આ કંકોત્રી માત્ર કડવા પાટીદાર કે અન્ય સમાજનાં લોકો નહીં પરંતુ રાજકીય આગેવાનોને પણ પહોંચાડવામાં આવી છે જેમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશનાં ગૃહપ્રધાન અમિત શાહનો પણ સમાવેશ થાય છે. અંતમાં આઈએએસ એમ.એસ.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યનો ખર્ચ ૨૦ થી ૨૫ કરોડ જેટલો થવા પામશે.
લક્ષચંડી મહાયજ્ઞ કાર્યની તૈયારી પુરજોશમાં : મુકેશભાઈ પટેલ
ઉમિયા માતા સંસ્થા ઉંઝાનાં જોઈન્ટ સેક્રેટરી મુકેશભાઈ પટેલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી ઉંઝા મુકામે જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેનાં ભાગરૂપે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ કમિટીનાં સભ્યો, સ્વયંસેવકો દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે તેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે, આગામી દિવસોમાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ સફળતાપૂર્વક પાર પડશે ત્યારે કડવા પાટીદાર સમાજની બહેનો દ્વારા જવારા વાવવા માટે જે મહેનત કરી રહી છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ઉંઝા ખાતે આયોજન થનાર લક્ષચંડી મહાયજ્ઞમાં કોઈ એક વ્યકિત નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે જે સમાજ તેને પૂર્ણત: નિભાવી પણ રહ્યો છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આ મહાકાર્યમાં માત્ર કડવા પાટીદાર સમાજ જ નહીં પરંતુ સર્વે સમાજનો સહકાર પૂર્ણ રૂપથી મળી રહ્યો છે જે સમાજને દિવ્ય કાર્ય અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા પ્રેરીત કરે છે.
લક્ષચંડી મહાયજ્ઞમાં સમગ્ર પાટીદાર સમાજની સાથે અન્ય સમાજનાં લોકો પણ જોડાશે: અરવિંદભાઈ સોમાભાઈ પટેલ
લક્ષચંડી મહાયજ્ઞમાં જે કુલ ૪૫ કમિટીઓની રચના કરવામાં આવી છે તેમાં પ્રેસ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં ચેરમેન તરીકે નિયુકત કરાયેલા અરવિંદભાઈ સોમાભાઈ પટેલે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કડવા પાટીદાર સમાજ માટે આસ્થા તથા શ્રદ્ધાનું કેન્દ્ર ઉંઝા છે. ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ભવ્ય લક્ષચંડી યજ્ઞનું કાર્ય જે થવા જઈ રહ્યું છે તેમાં ઠેર-ઠેરથી લોકો માંના દર્શને ઉમટશે. ૧૦ લાખ માતાનાં કંકોત્રીરૂપે તેડા ગુજરાત તથા વિશ્વભરમાં મોકલવામાં આવ્યા છે. ઉમિયા માતા સંસ્થાન અવાર-નવાર આવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે આ વિચારને સમગ્ર જ્ઞાતી-જાતીનાં લોકોએ સ્વિકાર્યો છે. ગુજરાતનાં ૫૦ થી ૬૦ વર્ષનાં ઈતિહાસમાં આવો લક્ષચંડી મહાયજ્ઞ થયો નથી એટલે જે કહેવામાં આવે છે કે, ડિસેમ્બર માસમાં ઉંઝા ખાતે જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તે ભુતો ન ભવિષ્યતી જેવું હશે. આ લક્ષચંડી મહાયજ્ઞમાં ૧૦૦થી વધુ બ્રાહ્મણો દ્વારા એક લાખ ચંડીપાઠનું પઠન
કરવામાં આવશે જયારે ૧૮ થી ૨૨ ડિસેમ્બરનાં રોજ ૧૦ હજાર હોમ કરવામાં આવશે. હાલ યજ્ઞ શાળામાં ૧૦૮ યજ્ઞકુંડો બનાવવામાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજ દ્વારા જે લક્ષચંડી મહાયજ્ઞનું બીડુ ઝડપવામાં આવ્યું છે તેનાથી આજની યુવા પેઢી માતાજીની સંસ્થા સાથે જોડાશે અને યજ્ઞની સાથોસાથ ૫૧ શકિતપીઠોમાં ઉંઝાનો પણ સમાવેશ થશે. હાલ જે આયોજન લક્ષચંડી મહાયજ્ઞ માટે કરવામાં આવ્યું છે તેમાં સ્વાસ્થયવર્ધક લોકોને ખાન-પાનની સુરક્ષા મળી રહે તે હેતુસર ફુડ કોટ પણ બનાવવામાં આવ્યો છે.
૧૦ લાખ આમંત્રણ પત્રિકા વિતરણનો લક્ષ્યાંક કડવા પાટીદાર સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે: હરેશભાઈ કાપડીયા
આમંત્રણ પત્રિકા વિતરણ કમિટીનાં તથા કારોબારી સભ્ય હરેશભાઈ કાપડીયાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ૧૮ ડિસેમ્બરથી જે આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને વિશ્વભરમાં વસતા કડવા પટેલ સમાજનાં લોકોને આમંત્રણ પત્રિકા ઘેર-ઘેર પહોંચાડવામાં આવી છે. જે લક્ષ્યાંક ૧૦ લાખથી પણ વધુનો છે. સાથોસાથ માની આમંત્રણ પત્રિકાની સાથે ઉમિયા માતાજીની રક્ષાદોરી પણ મુકવામાં આવી છે જેનાથી તે સર્વે કુટુંબનું રક્ષણ મળી રહે. દરેક કંકોત્રીમાં એક ફુટનો દોરો તથા કુમકુમ મુકવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તાલુકા તથા જિલ્લામાં જઈ ઘેર-ઘેર માંની આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી રહી છે જયાં તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે. આ કાર્યમાં ભકિતભાવ અને પ્રેમભાવથી ૩૦૦૦ જેટલા સ્વયંસેવકો જોડાયા છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અનેકવિધ સમાજ દ્વારા અનેકવિધ પ્રકારનાં આયોજન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ૧૦ લાખ આમંત્રણ પત્રિકાઓ જે વિશ્વભરમાં મોકલવામાં આવી છે ત્યાં કયાંકને રેકોર્ડ સર્જે તો નવાઈ નહીં.