માંસાહારી પદાર્થ જેલમાં લઈ જવાની ના પાડતા કેદીએ પોલીસ કર્મીને મારમાર્યો
લીંબડી સબ જેલમાં માંસાહારી પદાર્થ નહીં લઈ જવાનું હોવાથી ફરજ પરના પોલીસ કર્મીએ ટિફિન લઈ જવાની ના પાડતાં કેદીએ પોલીસ કર્મી ઉપર હુમલો કરી જાનથી માની નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસ કર્મીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લીંબડી સબ જેલમાં ગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ભવાનભાઈ સોલંકીએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેઓ સબ જેલમાં ફરજ પર હતાં તે સમયે સબ જેલમાં કેદી દિલાવરભાઈ ધીરૂભાઈ દેવીપુજક રહે. ખાડીયાના કોઈ સગા સંબંધી તેમની માટે ટીફીન લઇને આવ્યા હતા. ત્યારે મામલતદારના આદેશ મુજબ આ ટીફીનની ચકાસણી કરતાં તેમાં માંસાહારી વાનગી જેવા પદાર્થ હોવાથી દિલાવરને ટીફીન જમવા માટે આપ્યું નહોતું. આ વાતનું મનદુ:ખ રાખીને દિલાવરે ઉશ્કેરાઈને અપશબ્દો બોલી પોલીસ કર્મી વિનોદભાઈ પર હુમલો કરી ઢીકાપાટુ વડે માર મારીને ઈજાઓ પહોચાડી હતી.
સબ જેલમાં અન્ય પોલીસ કર્મી છુટાપડાવા જતાં તેમને પણ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.પોલીસે આ બનાવ અંગે દિલાવર વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી