- ચિંતન શિબિરમાં નીપજેલા નવનીતથી જિલ્લાના વિકાસની નવી દિશાઓ ખૂલશે -કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર-વિમર્શ અને તેના આધારે નીપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસવાર્તા યોજાઈ હતી.
- આ પત્રકાર પ્રેસવાર્તામાં કલેક્ટરશ્રીએ છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે કરાયેલા મનોમંથન અને વિકાસના રોડમેપની ફળશ્રુતિ વર્ણવી હતી.
તેમણે જણાવ્યું કે, ચિંતન શિબિરમાં ફક્ત ચિંતન કરવું પૂરતું નથી પરંતુ આ ચિંતન શિબિરના આધારે નીપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક જ સમયમાં જિલ્લામાં વિકાસ માટે જરૂરી પગલાઓ પણ ઉઠાવવામાં આવશે. જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો 100% લાભ મળે અને સેચ્યુરેશન સુધી પહોંચી શકાય. સરકારી જમીનોનો સારો ઉપયોગ કરી શકાય. ગ્રામીણ સ્તરે વધુ રોજગારીનું નિર્માણ થાય. પ્રવાસન ક્ષેત્રે માળખાકિય સુવિધાઓમાં વધારા સાથે વિકાસ થાય તે માટે ટીમ ગીર સોમનાથ પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરમાં કરાયેલા મનોમંથનના આધારે ટૂંકાગાળાના ઉદ્દેશો અને લાંબાગાળાના ઉદ્દેશો નક્કી કરીને જે જિલ્લાકક્ષાએ શક્ય છે. તેવી બાબતો પરત્વે તાત્કાલિક અમલ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો, નીતિવિષયક અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે અથવા અન્ય જિલ્લા સાથે સંકલન કરવું પડે તેવા વિષયો પરત્વે પણ આગામી સમયમાં ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કલેકટરએ ચિંતન શિબિર દ્વારા કરાયેલા મનોમંથનથી સમાજ ઉત્કર્ષ માટેની નવી દિશા અને ક્ષિતિજો ખૂલે તે માટે વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા સમયનો સદુપયોગ, કર્મમાં કર્મનિષ્ઠા, સરકારી સેવાઓમાં ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે માટે વિષય નિષ્ણાંતો દ્વારા અપાયેલા માર્ગદર્શનને જિલ્લાના વિકાસ માટે કઈ રીતે વાપરી શકાય તે માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બની રહેશે. તેમજ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સાથે ચિંતન શિબિરમાં જિલ્લાના માળખાકિય અને ઉર્ધ્વગામી વિકાસ માટે ટૂરિસ્ટ, ઓપરેટરો, ટૂરિસ્ટ ગાઈડો, ખેડૂતો, વિવિધ એસોસિએશનના સભ્યો, ધાર્મિક સ્થળના સંતો-મહંતો અને પ્રતિનિધિઓ સાથે પણ ફળદાયી વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. જેનાથી પણ જિલ્લાના વિકાસની નવી દિશા ખૂલશે. તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ચિંતન શિબિરમાં નીપજેલા નિષ્કર્ષોને આધારે જિલ્લાને વિકાસપથ પર અગ્રેસર કરવા માટે જિલ્લાના અધિકારીઓ માટે એક પડકારરૂપ કાર્ય માટેની પણ જવાબદારી વધી છે, ત્યારે તેમાં પણ જિલ્લો સહિયારા પ્રયાસોથી ટીમ સોમનાથ તરીકે તેને સફળતાપૂર્વક ચોક્કસ સફળતા અપાવશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ સદર્ભમાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ વેરાવળ શહેરમાં સફાઈ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં રસ્તાઓ સ્વચ્છ બન્યા છે તો બીનવારસી અને રખડતા ઢોરને પકડીને તેને સારા આશ્રયસ્થાન પર મૂક્યા છે. જેથી પશુઓને રહેવા માટેની સારી જગ્યા મળી છે. તેમજ કલેક્ટરએ સૌના સાથ, સૌના વિકાસની રાજ્ય સરકારની ભાવનાને પ્રતિધ્વનિત કરતા ગીર સોમનાથ જિલ્લો પણ આ દિશામાં આગળ વધી રાજ્યના વિકાસ માટેની લીડ લેશે તેવું દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી અને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : જયેશ પરમાર