બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું કહી સહકર્મીએ બોલાવી હત્યા કર્યાની આશંકા
પોરબંદર બરડા ડુંગરમાં ગાયબ સગર્ભા ફોરેસ્ટ ગાર્ડ તેના પતિ અને મજૂરની હત્યામાં મહિલાના સહકર્મીને પોલીસે સકંજામાં લઈ વધુ પુછતાછ હાથ ધરી છે. મહિલાના સહકર્મીએ બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું કહી જંગલમાં બોલાવનાર સહકર્મીએ ત્રણેયનું ઢીમ ઢાળી દઈ મૃતદેહ જુદી જુદી જગ્યાએ ફેકી દેવાની આશંકા સેવાઈ રહી છે. પોરબંદર ફોરેસ્ટ વિભાગના મહિલા કર્મચારી તેના પતિ અને અન્ય એક કર્મચારી બે દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બન્યા બાદ ત્રણેયના ઇજાગ્રસ્ત હાલતમાં લોહીથી ખરડાયેલી હાલતમાં બરડા ડુંગર વિસ્તારમાંથી લાશ મળી આવતા પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.
ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન સોલંકીને તેની જ સાથે કામ કરતા એલ.ડી. ઓડેદરા નામના શખ્સે મહિલા ગાર્ડને ફોન કરી જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું કહી હેતલબેનને જંગલમાં બોલાવ્યા હતા. મહિલા તેના પતિ કીતભિઈ અને મજૂર નગાભાઈ આગઠને સાથે લઈ જંગલમાં ગયા હતા. જયાં એલ.ડી. ઓડેદરા રસ્તામાં મળી ગયા બાદ ડુંગરાળ વિસ્તારમાં એક જગ્યાએ કાર ઉભી રખાવી એક પછી એક વ્યકિતને આગળ લઈ જઈ કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાનું સેવાઈ રહ્યું છે. ત્રણેયની હત્યા કરી મૃતદેહ જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ગોઢાણા બીટમાં ફરજ બજાવતી હેતલબેન કિર્તીભાઇ સોલંકી (ઉ.વ.૩૦) રાતડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા કિર્તીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૩૨) અને વન વિભાગના મજુર નાગાભાઇ ભુરાભાઇ આગઠ (ઉ.વ.૪૦) ગત તા.૧૫મી ઓગસ્ટે સાંજે કાર લઇને જંગલ વિસ્તારમાં ગયા બાદ ત્રણેય ભેદી રીતે લાપતા બન્યાની પોરબંદર ફોરેસ્ટ અધિકારી દિપકભાઇ પંડયાએ પોલીસમાં જાહેર કર્યુ હતું. એક સાથે ત્રણ વ્યક્તિ ઓ ભેદી રીતે લાપતા બનતા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની અને એલ.સી.બી.પી.આઇ. દવે સહિતના સ્ટાફ દ્વારા બરડા ડુંગર વિસ્તારમા સઘન તપાસ શરૂ કરતા તેમની કાર ગોઢાણા ગામ પાસેના થાપાવાળી ખોડીયાર મંદિર પાસેથી રેઢી મળી આવી હતી. કાર ત્યાં છોડીને ત્રણેય ચાલીને જંગલ વિસ્તારમાં ગયા હોવાની અથવા અન્ય કોઇના વાહનમાં જંગલ વિસ્તારમાં લઇ ગયાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ત્રણેયના ઇજાગ્રસ્ત હાલતમાં લોહીથી ખરડાયેલી હાલતમાં બરડા ડુંગર વિસ્તારમાં આવેલા કોઠવાડા નેસડાથી દસ કીમી દુરથી લાશ મળી આવી છે.
મૃતક હેતલબેન સોલંકી સગર્ભા હોવાનું જાણવા મળે છે. જંગલ વિસ્તારમાં ચાલતી ગેર કાનૂની પ્રવૃતિ અંગે માહિતી હોવાના પગલે ત્રણેય ઘટના સ્થળે પહોચતા તેમની હત્યા કરવામાં આવી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા ત્રિપલ મર્ડર પ્રકરણમાં હજુ કોઈ ફોડ પાડયો નથી. પરંતુ સગર્ભાનાં સહકર્મીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ હત્યામાં હજુ વધુ વ્યકિતઓની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની તપાસ અંગે પોલીસ વધુ ચક્રોગતિમાન હાથ ધરી છે.