સંકટની ઘડીમાં તંત્રની કાયવાહીમાં સહકાર આપવા જિલ્લા કલેકટરે નાગરિકોને અપીલ: નોડલ ઓફીસર સહિત આરોગ્ય અને માર્ગ-મકાનનાં અધિકારી રાઉન્ડ ધ કલોકની ફરજ પર: ૧૭ કોરેન્ટાઇન સેન્ટર અને ૪૪૦૮ બેડની આગોતરી વ્યવસ્થા
કોરોના (કોવિડ-૧૯) વાયરસના સંદર્ભમાં સરકાર તરફથી આપવામાં આવતી સુચનાઓ મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પ્રથમ શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવતા જ તુરંત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ દર્દીને તુરંત જ આઇશોલેશન વોર્ડમાં સીવીલ હોસ્પીટલ ખાતે આઇશોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત કોરેન્ટાઇન સેન્ટર ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેથી તેમાં રહેતા નાગરિકોને કોઇ અસુવિધા ઉભી ન થાય. જિલ્લા કલેકટર કચેરી ખાતે વધારાનો કંટ્રોલ રૂમ ખાસ આ હેતુ માટે ખોલવામાં આવેલ છે. જેમાં સમગ્ર જિલ્લામાંથી આવતી ફરીયાદો નોંધી સબંધિત વિભાગોને વિગતો મોકલી ફરીયાદોના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
જંગલેશ્ર્વર વિસ્તારમાં ‘કલ્સટર ક્ધટેઇનમેન્ટ’ વિસ્તાર જાહેર કરેલ છે જયાં ૯૭ જેટલા કુટુંબો કે જે પોઝીટીવ તરીકે નોંધાયેલ દર્દીની નજીકમાં જ રહેતા હતા તેઓને હોમ કોરેન્ટાઇન તરીકે રાખવામાં આવેલ છે. આવા લોકોની તમામ સુવિધાઓ માટે ટીમોની રચના કરવામાં આવેલ છે. સતત રીતે આ કુટુંબોની મુલાકાત લઇ તેઓની જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓની યાદી તૈયાર કરી તેમને ઘરે જ પહોંચતી કરવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાના ઉત્પાદન, ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ મુશ્કેલી ન આવે બ્લેક માર્કેટીંગ ન થાય તે માટે અલગ અલગ ખાતાના અધિકારીઓની ટીમ બનાવેલ છે. મહિલા અને બાળ કલ્યાણ અધિકારી રાજકોટને નોડલ ઓફિસર તરીકે નિમણુંક આપી તેના સાથે ડોકટરો, સાઇકાયટ્રીસ્ટ, કાઉન્સીલરની ટીમો બનાવવામાં આવેલ છે. જે હોમ કોરેન્ટાઇન કરવામાં આવેલ નાગરિકોને કાઉન્સીલીંગ કરી સમજુત કરવાની કામગીરી હાથ ધરી રહેલ છે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તમામ ગામોમાં આંગણવાડી વર્કર તથા સખી મંડળની બહેનો મારફત ગામની મહિલાઓ કોરોના (કોવિડ-૧૯) વાયરસ અનુસંધાને એકઠી ન થાય તે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કક્ષાએકોરોના (કોવિડ-૧૯)વાયરસ સંદર્ભે આગમચેતીના ભાગરૂપે કુલ મળી ૧૭ કોરેન્ટાઇન સેન્ટર આઇડેન્ટીફાઇ કરી, ૪૪૦૮ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાજકોટ ખાતે ક્રાઇસ્ટ હોસ્પિટલને પ્રાઇવેટ ઇન્ફેકટીવ ડીસીઝ કંટ્રોલ હોસ્પિટલ તરીકે ઇન્ફેકટીવ ડીસીઝ કંટ્રોલ હોસ્પિટલ તરીકે આઇડેન્ટીફાય કરેલ છે. જિલ્લા વહીવટ તંત્રના વડા કલેકટર, રાજકોટ તરીકે સમગ્ર રાજકોટ જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, કોરોના (કોવિડ-૧૯) વાયરસ ફેલાતો અટકાવવા માટે આગમચેતીના ભાગરૂપેના અત્રેથી કરવામાં આવેલ જરૂરી કાર્યવાહીમાં સહકાર આપવા આપ સૌને અપીલ કરવામાં આવે છે.