જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મુસ્લિમ પક્ષે કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જેના લીધે મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે. જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદની આ કાનૂની લડાઈમાં હાલ આ સ્થળ પર 17મી સદી પૂર્વે મંદિરનું અસ્તિત્વ હતું તેવું પ્રાથમિક ધોરણે ફલિત થઇ રહ્યું છે. 17મી સદીમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે દિશામાં અનેક પુરાવાઓ પણ મળી આવ્યા છે. જ્ઞાનવાપી પરિસરમાંથી શિવલિંગ સહીતની હિન્દૂ શસ્ત્રોક્તની વસ્તુઓ મળી આવી છે જે હિન્દૂ પક્ષની મંદિરના દાવાને વધુ મજબૂત બનાવી રહી હતી અને હવે અધૂરામાં પૂરું જયારે અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવી દીધી છે ત્યારે મંદિર સ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઇ ગયાનું ચર્ચાઈ રહ્યું છે.
મુસ્લિમ પક્ષની 5 અરજીઓ ફગાવી દેતી અલ્હાબાદ હાઇકોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટએ ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે.
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે પાંચ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટને છ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો છે.
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેના માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન મસ્જિદ કમિટિ દ્વારા કરવામાં આવેલી પાંચેય અરજીને ફગાવી દીધી હતી અને 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ અગાઉ હાઈકોર્ટે 8મી ડિસેમ્બરે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.
આ મામલો ત્રણ દાયકા જૂનો કેસ છે. આ કેસ 1991માં વારાણસીની જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં મુખ્ય બાબત એ નક્કી કરવાની છે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે છે કે નહીં. શું આ મામલામાં 1991નો પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાગુ કરી શકાય છે કે નહીં. આ કેસમાં ત્રણ વખત ચુકાદો અનામત રાખ્યા બાદ કોર્ટે ફરી અરજીઓ પર સુનાવણી કરી. અને નિર્ણય 8 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, હિંદુ પક્ષ અને અંજુમન મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી.
જ્ઞાનવાપીનો મામલો પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટના દાયરાથી બહાર: અલ્હાબાદ હાઇકોર્ટનું તારણ
અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ના દાયરાની બહાર છે, એવામાં આ કેસની સુનાવણી નીચલી કોર્ટમાં જ થઈ શકે છે. આ નિર્ણયથી જ્ઞાનવાપી પરીસરમાં કરાયેલા સરવે પર પણ અસર થઈ શકે છે. હિન્દું પક્ષનું કહેવું છે કે હાલમાં જ થયેલા સરવેમાં વજુખાના સહિત બાકી રહેલો જે એરિયા રહી ગયો છે તેમનો પણ સરવે કરી શકાય છે અને આ ઉપરાંત ખોદકામની પણ પરવાનગી આપી શકાય છે. મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ આ મામલેમાં સુનાવણી કરવામાં આવી શકે નહીં, જો કે હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં આ નિયમ લાગુ પડતો નથી.
શું છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991?
આ કાયદાને વર્ષ 1991માં તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 15 ઓગસ્ટ 1947 પહેલાના કોઈપણ ધર્મના પૂજા સ્થળને કોઈ બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. આ એક્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ આવું કરે છે તો તેને જેલમાં મોકલી શકાય છે. કાયદા મુજબ ધાર્મિક સ્થળો આઝાદી સમયમાં જેવા હતા તેવા જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આ એક્ટને પડકારતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં આ કાયદાની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
જરૂર પડ્યે વધુ એકવાર એએસઆઈ સર્વે હાથ ધરવા હાઇકોર્ટનું સૂચન
અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપતાં વારાણસી જિલ્લા અદાલતને સૂચન કર્યું છે કે, જો જરૂર જણાય તો વધુ એકવાર આર્કીયોલોજીકલ સર્વે હાથ ધરીને આ મામલાની સુનાવણી 6 માસમાં પૂર્ણ થવી જોઈએ. મહત્વપૂર્ણ બાબત છે કે, જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદનો વિવાદ ત્રણ દાયકા જૂનો પ્રશ્ન છે ત્યારે ન્યાયતંત્ર હવે આ વિવાદને ઝડપથી સમાપ્ત કરવા માંગે છે.