- ઓલી પોપનો રિવર્સ સ્વીપનો ભારત પાસે કોઈ જવાબ ન હતો
- ઇંગ્લેન્ડે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ હાંસલ કરી : બીજો ટેસ્ટ મેચ 2જી ફેબ્રુઆરીએ વિશાખાપટનમ ખાતે રમાશે
ઓલી પોપના 196 રન બાદ ટોમ હાર્ટલીની 7 વિકેટના તરખાટની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 28 રને વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે આપેલા 231 રનના પડકાર સામે ભારત 69.2 ઓવરમાં 202 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી રમાશે.
231 રનના પડકાર સામે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલ 15 રને હાર્ટલીનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ બીજા જ બોલે આઉટ થયો હતો. રોહિત શર્મા સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો અને 39 રને આઉટ થયો હતો. અક્ષર પટેલ 17 રન બનાવી હાર્ટલીનો ચોથો શિકાર બન્યો હતો.
કેએલ રાહુલ (22), રવિન્દ્ર જાડેજા (2) અને શ્રેયસ ઐયર (13) પણ જલ્દી આઉટ થયા ભારતે 119 રને સાતમી વિકેટ ગુમાવી હતી. આ પછી શ્રીકાર ભરત (28) અને અશ્વિને (28) બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બન્નેના આઉટ થયા પછી પરાજય નિશ્ચિત બન્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી હાર્ટલીએ સૌથી વધારે 7 વિકેટ ઝડપી હતી.
પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડે 82મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રેહાન અહેમદ 28 રન બનાવીને જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. આ પછી ટોમ હાર્ટલી અને ઓલી પોપે 8મી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી.
જોકે હાર્ટલીના આઉટ થયા બાદ ટીમ માત્ર એક જ રન ઉમેરી શકી હતી અને 420માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓલી પોપ છેલ્લે 196 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને બોલ્ડ કરીને ટીમને 10મી વિકેટ અપાવી હતી. સૌથી મોટી વાત તો એ છે કે ભારતના દિગ્ગજ સ્પીનરો સામે પોલીસો પે જે રીતે રિવર્સ સ્વીપનો ઉપયોગ કર્યો તેના પરિણામે ભારતીય બોલરોની લાઈન લેન્સ વિખાઈ ગઈ હતી અને દબાણ પણ ઊભું થયું હતું. રાહુલ દ્રવિડે પણ ઇંગ્લેન્ડના બેટ્સમેના વખાણ કર્યા હતા અને ભારતની બોલીંગ ને નબળી ગણાવી હતી.