- મૃતક ભાર્ગવ બોરીસાગર ગ્રામ્ય પોલીસની રીડર શાખામાં ફરજ બજાવતા’તા
રાજકોટમાંથી એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. શહેરના મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 8માં માળેથી કૂદીને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જોકે, પોલીસ જવાનના આપાઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાન્ચના કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ કમલેશભાઈ બોરીસાગર (ઉ.વ. 23) મવડી પોલીસ હેડ ક્વાર્ટરના આઠમા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાં જ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ દ્વારા મામલતદારની હાજરીમાં પંચનામું કર્યા બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, લોક રક્ષક તરીકે ફરજ બજાવતાં ભાર્ગવભાઈ બોરીસાગરનું દોઢેક મહિના પહેલા જ જેતપુરથી રાજકોટ બદલી થઈ હતી. સાથે જ મૃતકના 5 મહિના પહેલા જ લગ્ન થયા હતા.
આ બનાવથી પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો પરિવારમાં માતમ છવાયો છે. હાલ તાલુકા પોલીસની ટીમે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2021માં ભાર્ગવ બોરીસાગરે લોકરક્ષક દળમાં નિમણુંક મેળવી હતી. જે બાદ પ્રથમ જેતપુર ખાતે પોસ્ટિંગ મળ્યું હતું. આશરે ત્રણેક દોઢેક માસ પૂર્વે જ રાજકોટ ગ્રામ્યમાં બદલી થઇ હતી અને હાલ ગ્રામ્ય રીડર શાખામાં ફરજ બજાવતા હતા. મૃતક ભાર્ગવ બોરીસાગર મૂળ જેતપુરના વતની હોવાનું અને રાજકોટ ખાતે માધાપર ચોકડી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આશરે ત્રણેક દિવસ પૂર્વે જ મવડી પોકીસ હેડક્વાર્ટર ખાતે ત્રણ માળીયા ક્વાર્ટર ખાતે આવાસ મળ્યો હતો.
આજે તેઓ આશરે અગિયાર વાગ્યાં આસપાસ એકલા બાઈક લઈને મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે આવ્યા હતા અને ’ગિરનાર ક્વાર્ટર’ના આઠમા માળે જઈને મોતની છલાંગ લગાવી દીધી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, મૃતક રાજકોટ શહેર એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી વી બોરીસાગરના સગા ભત્રીજા હતા.