3 કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધિશો દ્વારા 1લી ઓગસ્ટે અધ્યાપકોને બાયોમેટ્રીક હાજરી પુરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જોકે ગઈકાલે ડિજિટલ હાજરીનો અમલ થાય તે પહેલા જ અધ્યાપકોએ વિરોધનો સુર ઉઠાવ્યો હતો અને બાયોમેટ્રીક હાજરી માટે વાંધો ઉપાડયો હતો જોકે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ સાથે મળેલી બેઠક બાદ અધ્યાપકો આખરે ડિજિટલ હાજરી પુરવા સહમત થયા હતા અને ઘીનાં ઠામમાં ઘી પડી ગયું હતું અને આ મામલે સુખદ સમાધાન આવ્યું હતું જોકે 3 કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને લીધે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને જાણે યુનિવર્સિટી ભવનો પ્રોફેસર વિનાનાં રહેતા વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિનીયર મોસ્ટ પ્રોફેસરો અને વડા સાથે 3 કલાક સુધી બાયોમેટ્રીક હાજરી બાબતે મીટીંગનો દૌર ચાલ્યો હતો જેમાં કલાધરઆર્ય નિકેશભાઈ શાહ સહિતનાં 30 થી 40 અધ્યાપકો હાજર રહ્યા હતા. અધ્યાપકોનો એક પ્રશ્ર્ન એવો હતો કે, 10 દિવસ પુરતું બાયોમેટ્રીક હાજરી મોકુફ રાખવામાં આવે જોકે આજે મળેલી બેઠકમાં અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘનાં અધ્યાપકો દરરોજની 5 કલાકની હાજરીનાં નિયમમાં ઓનલાઈન હાજરી પુરવા માટે સહમત થયા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અઠવાડીયાનાં 40 કલાકની અધ્યાપકની ફરજનાં નિયમને સ્વિકાર્યો હતો અને આજથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ 32 એ 32 ભવનનાં અધ્યાપકોએ બાયોમેટ્રીક દ્વારા હાજરી પુરી હતી.
મળતી માહિતી મુજબ ઉપકુલપતિ સાથે ચાલેલી 3 કલાકની લાંબી બેઠક બાદ અધ્યાપકો અને બાયોમેટ્રીક હાજરી વચ્ચેનો જે વિરોધ હતો તે તો દુર થયો હતો પરંતુ યુનિવર્સિટીનાં ભવનો અધ્યાપકો વિહોણા થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને 3 કલાક સુધી વિદ્યાર્થીઓએ અભ્યાસથી દુર રહેવું પડયું હતું.