રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે નિર્માણાધીન 50 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા 11 કિ.મી. વિસ્તારમાં 1219 મી.મી. વ્યાસની પાઈપલાઈન નેટવર્કથી 5 વોર્ડની 2 લાખ લોકોને પાણી વિતરણમાં થશે મોટો ફાયદો
કોર્પોરેશન દ્વારા રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે હયાત 50 એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં વધુ 50 એમએલડી ક્ષમતાનો ડબલ્યુટીપી બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11 કિ.મી.ના વિસ્તારમાં 1219 મીમી વ્યાસની પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા માટે રૂા.43.20 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ પાઈપલાઈનના નેટવર્કથી ન્યુ રાજકોટના 5 વોર્ડમાં વસવાટ કરતા અંદાજે 2 લાખ લોકોને પુરા ફોર્સથી પાણી વિતરણ મળશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળનાર છે. જેમાં અલગ અલગ 22 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. વોટર વર્કસ પ્રોજેકટ શાખા દ્વારા હાલ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે 50 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વપરાશમાં છે તેમજ નવો 50 એમએલડી પ્લાન્ટ નિર્માણ પામી રહ્યો છે.
રોજ 100 એમએલડી ટ્રિટેડ પુરવઠો ઉપલબ્ધ થશે. જેના કારણે ન્યારી ડેમથી અહીં 100 એમએલડી પાણી સપ્લાય કરવું આવશ્યક છે. ન્યારી-1 ડેમથી ન્યુ રેસકોર્સ એરીયાના બીજા છેડેથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11 કિ.મી.ના વિસ્તારમાં 1219 મીમી વ્યાસની 3 એલપી કોટીંગવાળી પાઈપલાઈન નાખવા માટે રૂા.34.99 કરોડનું એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
જેમાં એલ-1 બીએમએસ પ્રોજેકટ સુરત દ્વારા આ કામ 24.52 ટકા ઓન સાથે કરવાની ઓફર આપવામાં આવી હતી. નેગોશિએશનના અંતે 23.77 ટકા ઓન સાથે આ કામ રૂા.43.30 કરોડમાં કરવા સહમત થઈ છે. જે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ પાઈપલાઈન બિછાવવાથી રાજકોટના વોર્ડ નં.1,2 (પાર્ટ), 8, 9 અને 10માં વસવાટ કરતા અંદાજે 2 લાખથી વધુ લોકોને પાણી વિતરણમાં ફાયદો થશે. રાજકોટની હદમાં ભળેલા મુંજકા અને રેસકોર્સ-2 આસપાસ વસવાટ કરતા લોકોને પણ પુરા ફોર્સથી પાણી મળી રહેશે.