ગુરૂ એ છે જે ભવસાગર પાર ઉતારે, એટલે કે સર્વોચ્ચ જ્ઞાનના પ્રકાશ સુધી લઈ જાય
ગુરુ પૂર્ણિમા, આમ તો ગુરુપૂજન આપણી સંસ્કૃતિમાં એક દિવસનું જ ન હોઈ શકે રોજે રોજ ગુરુના પગ ધોઈ પાણી પીએ તો પણ ઓછું છે. મનુષ્યના ષોડશસંસ્કાર અંતર્ગત જન્મ પછીના સંસ્કારોમાં યજ્ઞોપવિતથી લઈ વિદ્યારંભ ભૂત સંસ્કાર, વેદારંભ, કેશાંત અને સમાવર્તન સંસ્કાર ગુરુના દિશાનિર્દેશનમાં કરવામાં આવતા હતા. ત્યારે એક ભજન કહે છે કે. “ગુરુ તારો પાર..ન પાયો..” પણ આજના દિવસે ભારતના થોડાં મહાન ગુરુ અને પરંપરા જાણીએ..
“મહાન વૈશ્વિક ગુરુજન”
(આર્યાવૃત-ભારતની વિશ્વને દેન)
દસમુલવ (0 થી 9) અને ક્ષણ થી લઈ કલ્પ સુધીની ગણના ભારતે વિશ્વને આપી છે, એથી ભારત વિશ્વગુરુ છે. ભારતને આ રીતે મહાનતાની શ્રેણીમાં મુકનાર હતા ભારતના મહાન ગુરુઓ. આ જગતના પ્રથમ ગુરુ જો કોઈ હોય તો એ સદાશિવ રૂપે આદિગુરુ છે, જગત ઉત્પત્તિ બાદ પાંચ કલ્પો એમના પ્રથમ હમતકલ્પના પ્રથમ મનવંતરના પ્રથમ સપ્તઋષિઓથી લઈ હાલના ચાલુ વરાહકલ્પના પ્રથમ મનવંતર સ્વયંભૂમનુ મનવંતરના પ્રથમ સપ્તઋષિઓ મરિચિ, અત્રિ, અંગીરસ, પુલહ, કૃતુ, પુલતસ્ય અને વશિષ્ટ ને ભગવાન શિવે દક્ષિણામૂર્તિ રૂપે જ્ઞાન આપીને જ્ઞાનનો પ્રથમ દીપનારાયણ પ્રગટાવ્યો હતો.
ભારતીય શાસ્ત્રોમાં દક્ષિણામૂર્તિના અલગ અલગ સ્વરૂપોનો ઉલ્લેખ છે, ‘વ્યાખ્યાન યોગ’માં વિણાંધર દક્ષિણામૂર્તિનો ઉલ્લેખ છે. પંચસાર સંગ્રહમાં સંહાર દક્ષિણામૂર્તિનો ઉલ્લેખ જોવા મળે છે, આમ આ સિવાય શાસ્ત્રોમાં લકુલીશ દક્ષિણામૂર્તિ, મેઘાદદક્ષિણામૂર્તિ અને સામ્બદક્ષિણામૂર્તિનો ઉલ્લેખ જોવા મળે છે.
દક્ષિણામૂર્તિ શિવની કલ્પના : પોતાના અસ્તિત્વને ખોજતા સપ્તઋષીઓને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવવા ભગવાન શિવે હિમાલયથી દક્ષિણ બાજું મુખરાખી વિશાળ વટવૃક્ષનીચે વ્યઘ્રામ્બર પર આસન ધર્યું છે, અપસ્માર નામના દૈત્યને (આ એકમાત્ર દૈત્યને બ્રહ્માજીએ અમરતાનું વરદાન આપેલું, અપસ્માર આજ્ઞાનનું સ્વરૂપ, અજ્ઞાન ફેલાવતો દૈત્ય તેને મારી ન શકાય એટલે શિવે તેને પોતાના જમણાં પગે દબાવી ને રાખેલો છે, નટરાજના શિલ્પમાં પણ તે જોઈ શકાય છે.) પોતાના જમણા પગ વડે જમીનપર દબાવી એટલે અજ્ઞાનને કૂચલી પોતાના ચતુર્ભુજમાં જ્ઞાનપ્રકાશનું ચિન્હ અગ્નિ, વીણા, મૃગ (ચંચળ હૃદયનું પ્રતીક છે જેને માત્સામ્બ દક્ષિણામૂર્તિમાં વામ અંગ પર માં ભગવતી અંબા પણ સાથે બિરાજેલા છે. આમ મૌન યુવા ગુરુ, જ્ઞાન મળ્યાનો આહલાદક આનંદ સાથેની મુદ્રામાં વૃદ્ધ શિષ્યો એવું અનુપમ દ્રશ્ય, સ્વરૂપ દક્ષિણાંમુર્તિ શિવનું છે.
આવા ગુરુનું દ્રશ્ય ખૂબ અદભુત છે, ભગવાન દક્ષિણામૂર્તિ ગુરુ યુવાન છે, અને એમના શિષ્ય વૃદ્ધ છે, એશિષ્યોના સંશય ને મૌન અવસ્થામાં જ છિન્ન એટલે કે સમાપ્ત કરી રહ્યા છે. આમ જગતના પ્રથમ ગુરુ આવા હતા.
ત્યાર બાદ સ્વયં બ્રહ્મા એક મહાન ગુરુ છે.બ્રહ્મા બાદ ગુરુ તરીકે સર્વશ્રેષ્ઠ ભગવાન સૂર્યને માનવામાં આવે છે. જેમણે અનેકને જ્ઞાનનો પ્રકાશ આપેલો સૂર્ય ભગવાનના ઘણા શિષ્યોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, એમાં હનુમાનજી એમના એક મહાન શિષ્ય હતા. ત્યારબાદ સપ્તઋષિઓ સમેત અનેક ગુરુઓનો ઉલ્લેખ જોવા મળે છે, ભગવાન દત્ત (દત્તાત્રેય) એમના મુખ્ય છે, સ્વયં મહાગુરુ હોવા છતાં અનેકને જેમણે ગુરુ માન્યાં હતા, અરે સ્વાન પાસેથી એમને સારું શીખવા મળ્યું તો એને પણ ગુરુ સ્થાપ્યા અને ગુરૂદત્ત નાથ પરંપરાના જનક હતાં
ગીતાજ્ઞાન આપનાર શ્રી કૃષ્ણચંદ્ર માત્ર અર્જુન પૂરતા નહી પણ સમગ્ર સંસારના ગુરુ છે. જે વ્યક્તિને પોતાના અધ્યાત્મ ગુરુ ના હોય તે દક્ષિણામૂર્તિ શિવ કે વાસુદેવ શ્રી કૃષ્ણને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરી ગુરુધ્યાન કરી શકે છે, અને ‘અજાન’ની જેમ કરવું જ જોઈએ. કાગભુશન્ડીથી વ્યાસ પદ શરૂ કરી પરાશર અને પુત્ર રૂપે કૃષ્ણદેપાયન અને શુકદેવજીથી વ્યાસપીઠની શરૂઆત થઈ હશે એ વ્યાસપીઠથી અનેકો શિષ્યોને ભગવતાચાર્યો રૂપે ગુરુ મળ્યાં રામના ગુરુ વશિષ્ટથી લઈ અર્જુન સમેત પાંડવ, કૌરવ અને એકલવ્યના જેવા શિષ્યના ગુરુ દ્રોણનું ભારત વર્ષમાં વિશિષ્ટ સ્થાન છે.
આદિ શંકરાચાર્યથી લઈ ચતુષ્ઠ પીઠના શંકરાચાર્યો જગદગુરુની પદવી ધરાવે છે. અધ્યાત્મ સાથે મહાન રાજકીય ગુરુઓની વાત કરીએ તો, ભારતમાં આર્યસંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષામાટે ચંદ્રગુપ્ત મોર્ય જેવા સમ્રાટના ગુરુ વિષ્ણુગુપ્ત ચાણક્ય, દક્ષિણમાં એજ રીતે વિજયનગરની સ્થાપનામાં હરિહર અને બુક્કાના ગુરુ માધવિદ્યારણ્ય, શિવજીના મહાન ગુરુ સમર્થ સ્વામી રામદાસ, સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, ગુરુવરની ઉપાધિ ધરાવનાર રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રથી લઈ દયાનંદ સરસ્વતી સુધીના મહાનચરિત્રો, વ્યક્તિત્વોના સર્જક ગુરુઓનું ભારતવર્ષમાં અનેરું માહત્મ્ય છે.
ગુરુ એ છે જે ભવસાગર પાર ઉતારે, એટલે કે સર્વોચ્ચ જ્ઞાનના પ્રકાશ સુધી લઈજાય, યોગ અને ઉચ્ચ અધ્યાત્મમાર્ગમાં તો અમુક કક્ષાએ પોહોંચ્યાં પછી ગુરુ વિણ આગળ ન જઈ શકાય, ગુરુ અમુક કક્ષાએ શક્તિપાત કરી પોતાના શિષ્યને પરમ તેજના દર્શન કરાવી શકે છે, જેમ પાનબાઈને ગંગાસતીએ એકાવન ભજનો પછી અંતે પોતાના ખોળામાં બેસાડી માથે હાથ મૂકી પરંબ્રહ્મના દર્શન કરાવ્યા હતાં. ભાણસંપ્રદાયમાં, નિજારમાર્ગીઓ ગુરુનો મહિમા અનેક શ્રેષ્ટતમ ભજનોમાં વર્ણવામાં આવ્યો છે. આમ ગુરુનો મહિમા ન્યારો છે.