ડ્રગ્સ કયાંથી લાવ્યો અને અન્ય કોની સંડોવણી અંગે પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાશે
શહેરના મનહર પ્લોટમાં સોની શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે મોડીરાતે દરોડો પાડી રૂા.6.69 લાખનીની કિંમતના 66.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. મેફેડ્રોન ડ્રગસ કયાંથી લાવ્યો અને તેની સાથે અન્ય કોની સંડોવણી છે તે અંગેની તપાસ માટે રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહર પ્લોટ શેરી નંબર 2માં આવેલા પાવન-2 એપાર્ટમેન્ટના ફલેટ નંબર 201માં રહેતા યોગેશ હસમુખલાલ બારભાયા નામનો શ્રીમાળી વણિક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઘર્મેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહસ, ફિરોજભાઇ, દિગ્વીજસિંહ ગોહિલ અને ધનશ્યામસિંહ ચૌહાણ તેમજ રમછોડભાઇ આલ સહિતના સ્ટાફે મોડીરાતે દરોડો પાડયો હતો.
યોગેશ બારભાયા પાસેથી રૂા.6.69 લાખની કિંમતનું 66.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા તેની ધરપકડ કરી ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનું હતુ તેમજ તેની સાથે અન્ય કોની સંડોવણી છે. તે અંગેની વિશેષ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. પોલીસે ડ્રગ્સ, રોકડ અને મોબાઇલ મળી રૂા.6.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. હેન્ડીક્રાફટનો વ્યવસાય કરતા શ્રીમાળી વણિક શખ્સને રિમાન્ડ પર મેળવ્યા બાદ કેટલીક ડ્રગ્સના નેટવર્ક અંગેની ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.