ભાવનગર હાઇવે પર સરધારથી ખારચીયા તરફ જતા માર્ગ પર શ્રીરામ બ્રીંગ્સ નામના કારખાનાની બાજુમાં શક્તિ કૃપા ટ્રેડિંગ નામના વંડામાં અનઅધિકૃત રીતે એલડીઓનું વાહનમાં ઇંધણ તરીકે વેંચાણ થતું હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે એફ.એસ.એલ, પૂરવઠા અને જીએસટીના અધિકારીઓને સાથે રાખી મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. રૂા.2.44 લાખના 3,337 લીટર એલડીઓ, ટ્રક, નાના-મોટા ટાંકા, ઇલેક્ટ્રીક મોટર મળી રૂા.6.23 લાખના મુદ્ામાલ સાથે રાજકોટના ટ્રક ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન કોટડા સાંગાણી તાલુકાના નવા રાજપીપળા ગામના ભરત શિવરાજ સાકરીયા અને તેનો ભાઇ અશ્ર્વિન સાકરીયાએ દોઢેક માસથી ગાંધીધામથી સસ્તા ભાવે એલડીઓનો જથ્થો મંગાવી વાહનોમાં અનઅધિકૃત રીતે વેંચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીધામથી એલડીઓ સસ્તા ભાવે મંગાવી દોઢ માસથી વેંચાણ કર્યાની કબુલાત

 રૂા.2.44 લાખના 3,337 લીટર એલડીઓનો જથ્થો સિઝ કરાયો

 રાજકોટના ટ્રક ચાલક સહિત ત્રણની રૂા.6.23 લાખના મુદ્ામાલ સાથે આજી ડેમ પોલીસે ધરપકડ કરી

આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગત મુજબ સરધાર-ખારચીયા રોડ પર શક્તિ કૃપા ટ્રેડિંગ નામના વંડામાં અનઅધિકૃત રીતે એલડીઓનું વાહનોમાં ઇંધણ તરીકે વેંચાણ થતું હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે. પરમાર, એએસઆઇ એચ.આર.ચાનીયા અને વાય.ડી.ભગત સહિતના સ્ટાફે એફ.એસ.એલ. અધિકારી યોગેશભાઇ દવે, પૂરવઠા વિભાગના નાયબ મામલતદાર એચ.જે. જાડેજા, એ.ડી.મોરી, ટી.એસ.બાણુગરીયા, ડી.આર.પુરોહિત સહિતના સ્ટાફે ગત મોડી રાત્રે શક્તિ કૃપા ટ્રેડિંગ નામના વંડામાં દરોડો પાડ્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન કોટડા સાંગાણી તાલુકાના નવા રાજપીપળા ગામના અશ્ર્વિન સાકરીયા અને કોઠારિયા રોડ દેવપરા નજીક અંકુર સોસાયટીમાં રહેતા ટ્રક ચાલક હુશેન હાશમ દોઢીયા મળી આવ્યા હતા. પોલીસ, એફએસએલ વિભાગ, પૂરવઠા વિભાગ અને જીએસટી વિભાગના તપાસ દરમિયાન એક ટાંકામાંથી રૂા.59,500ની કિંમતનું 850 લીટર એલડીઓ તથા અન્ય એક ટાંકામાંથી રૂા.1.74 લાખની કિંમતના 2,487 લીટર એલડીઓનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત ઘટનાસ્થળે જીજે-16યુ-8125, જીજે-14ઝેડ-383, જીજે-14એક્સ-1383, જીજે-14એક્સ-9091 અને જીજે-4વી-7275 નંબરના ટ્રક ઇંધણ તરીકે એલડીઓ લેવા આવ્યા હતા પરંતુ રાજકોટના હુશેન હાસમ દોઢીયાના જીજે-16યુ-8125 નંબરના ટ્રકમાં એલડીઓ ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ભરત સાકરીયાની પૂછપરછ દરમિયાન પોતાના ભાઇ અશ્ર્વિન સાકરીયા સાથે ભાગીદારીમાં છેલ્લા દોઢેક માસથી ગાંધીધામના ચિરાગ શાહ પાસેથી એલડીઓ સસ્તા ભાવે મંગાવી વાહનોમાં ઇંધણ તરીકે વેંચાણ કર્યાની કબૂલાત આપી છે. પોલીસે 3,337 લીટર એલડીઓ, ટ્રક, ઇલેક્ટ્રીક મોટર અને મોબાઇલ મળી 6.23 લાખના મુદ્ામાલ સાથે ભરત સાકરીયા, અશ્ર્વિન સાકરીયા અને હુશેન દોઢીયાની ધરપકડ કરી તેની સામે એકસ્પ્લોજીવ એક્ટ અને આવશ્યક ચીજ-વસ્તુધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.