• આગામી બજેટમાં સમાવવા  છ-સાત મહિનામાં વિસ્તૃત પ્લાન તૈયાર  કરાશે
  • ઘેડ વિસ્તારમાં નુકશાનીનો સર્વે,રસ્તાની મરામત,સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રીની સૂચના
  • કેન્દ્રીય શ્રમ રોજગાર, યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલય ના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાએ ઘેડ વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક લોકો અને લોક પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી ઘેડમાં દર વર્ષે ભારે વરસાદને કારણે ઉદભવતી પરિસ્થિતિના નિરાકરણ માટે જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી એ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે  પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.કેન્દ્રીય મંત્રી  એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે.

જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે.

લાંબાગાળાના આયોજન ઉપરાંત હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરવાની થતી કામગીરીની પણ મંત્રી   એ ચર્ચા કરી નદીકાંઠાના ગામોમાં  ખેડૂતોને નુકસાની થઈ હોય તેમની નુકસાની  અરજીઓ લેવા, ગ્રામ્ય સ્તરે સર્વે શરૂ કરી દેવા, વાડી વિસ્તારમાં વીજળીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને અને જે રસ્તાઓનું કામ બાકી હોય તે તાત્કાલિક મરામત કરી વાહન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે તે માટે સુચના આપી હતી.

મંત્રીશ્રીએ ધારાસભ્ય  ભગવાનજીભાઈ કરગઠીયા,   દેવાભાઈ માલમ,  અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનોના સૂચનો પણ ધ્યાને લઈ સાથે મળીને આયોજનને આખરી ઓપ આપવા માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસીયાએ મિટિંગના પ્રારંભે કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કરી ઘેડ અને આસપાસના વિસ્તારમાં સૂચિત વિકાસ અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતો રજૂ કરી હતી.

કલેકટરએ મંત્રીના માર્ગદર્શનમાં થઈ રહેલ આયોજન સંદર્ભે કરવામાં આવેલ તૈયારીઓ અંગે કેશોદમાં ઔદ્યોગિક વિકાસ, કેશોદ થી ખેત પેદાશો અને અન્ય ચીજ વસ્તુઓનું પરિવહન માટે કાર્ગો ટર્મિનલ, એરપોર્ટ ના વિકાસ માટેનું આયોજન, ઘેડ વિસ્તારના હેરિટેજ સ્થળોનો વિકાસ જેમાં લોએજ, રાખેંગાર વાવ ઉપરાંત ખાસ કરીને વંથલીના રાવણા અને ચીકુ ઉપરાંત પોષકતત્વોથી ભરપૂર અને સ્વાસ્થ માટે ઉપયોગી એવા કાળા મગને વિશેષ ઓળખ મળે તે માટે નું આયોજન, બાગાયતી પાકોના ઓઘોગિક ધોરણે રીહાઇડ્રેશન પ્લાન્ટ માટેના આયોજનો અને રસ્તા પહોળા કરવા સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓજત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ હાલ જે પ્લાન બનાવવામાં આવે તેમાં અગાઉ 1960ની સમિતિ પછી જે સૂચિત આયોજનો હતા તે અંગેનો અહેવાલ પણ હાલના પ્લાનમાં જોડી જન ઉપયોગી બાબતોને આવરી લઈ ઘેડના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરકારને દર વર્ષે અમુક પ્રકારની કામગીરીમાં ખર્ચ ન થાય અને લાંબા ગાળાનું આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં જરૂર પડે અને કાર્યક્ષેત્રમાં આવતી બાબતો અંગે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ સ્થાનિક તંત્રને સંકલન કરશે.

મંત્રી  એ પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે પાંચ વર્ષનો પ્લાન પણ તૈયાર કરવા પણ સૂચના આપી હતી.કેન્દ્રીય મંત્રી  એ ધેડ વિસ્તારના ટીકર બામણાસા બાલાગામ, મટીયાણા માણાવદર સહિતના ગામો-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક  લોક પ્રતિનિધિઓ, ખેડૂતો, સરપંચ સહિતના આગેવાનો સાથે સંવાદ કરી, ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી, તેમજ જ્યાં પાણી ભરાય છે તે કાઠા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં બાલાગામ અને મટીયાણાંમા ગ્રામજનો સાથે વિશેષ મીટિંગ કરી સરકાર દ્વારા કરવામાં આવનાર કામ અને તાત્કાલિક ધોરણે તંત્રને કામગીરી માટે આપવામાં આવેલી સૂચનાઓની માહિતી આપી હતી, સંવાદને અંતે મટીયાણામા વૃક્ષારોપણ કર્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.