- તબીબ હોય કે અધીક્ષક પરંતુ આઇકાર્ડ-પાસ વગર “નો એન્ટ્રી”
- હોસ્પિટલની સુરક્ષવ્યવસ્થા સુદ્રઢ બનાવવા સિવિલ અધીક્ષક દ્વારા લેવાયેલા પગલાંથી આવકાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે કે રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ છે.સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી સુરક્ષવ્યવસ્થા ચુસ્ત બનાવવાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કડક પગલાં લેવાઇ રહ્યા છે.જેના અમલ માટે હાલ સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત ફોજીની પણ ભરતી કરવામાં આવી છે.ભરતી થયાના બીજા જ દિવસે 30 જેટલા એક્સ આર્મીમેનને તાત્કાલિક ધોરણે ઈમરજન્સી વિભાગમાં સિક્યુરિટી વધારવા મૂકવામાં આવ્યા છે.
સીવિલ હોસ્પિટલના કોઈ પણ વિભાગમાં દાખલ થવા માટે અમુક નિયમોની પણ જોગવાઈઓ કરવામાં આવી છે.આ નિયમો કેટલાક આવારા તત્ત્વોને સિવિલ હોસ્પિટલમાં બીનજરૂરી આવતા જતા અટકાવવા માટે ઘડવામાં આવ્યા છે.સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાને ચુસ્ત બનાવવા અને બિનજરૂરી અવરોધ ઉભા કરતા દર્દીના સગાઓ તથા અસામાજિક તત્ત્વોના આક્રંદ અને રોષના ભોગ ઘણી વાર તબીબો અને દર્દીઓ થતાં હોય છે.જેનાથી અન્ય દર્દીને સારવારમાં અવરોધો ઊભા થાય છે.જે ગેરવ્યાજબી વલણ તાત્કાલિક ધોરણે અટકાવવા સિવિલ અધીક્ષક દ્વારા તબીબો અને દર્દીની સુરક્ષા વધારવા હેતુ આ પગલાં લેવામાં આવ્યા છે,જે ખૂબ જ સરહાનીય છે.
હાલ સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ વિભાગમાં એન્ટ્રી લેવા માટે તબીબોને પણ તેના કાર્ડ સિક્યુરિટી ગાર્ડને દેખાડ્યા બાદ જ એન્ટ્રી મળશે તેવી નવી વ્યવસ્થાની જોગવાઈઓ કરવામાં આવી છે.જેના અમલ માટે દરેક સિનિયર અને જુનિયર ડોકટરોને પણ કાર્ડ ન હોય તો તાત્કાલિક કાર્ડ કઢાવવાની કામગીરી સિવિલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.કોઈ પણ સંસ્થા કે ઓળખ કાઢ્યા બાદ અસામાજિક તત્ત્વો કે સમાજના આગેવાન થતા લોકો સિવિલમાં હોબાળો મચાવતા તે દરેક પ્રવૃત્તિને હવે સંપૂર્ણપણે અટકાવવામાં આવશે. ’લીલાં સાથે સૂકું પીસાઈ’, એમ એકની પાછળ અન્ય દર્દીઓની સારવારમાં અવરોધ ઊભાં થાય અને સિવિલ હોસ્પિટલનું વાતાવરણ દૂષણ બનતું ,તેવી સ્થિતિને અટકાવવા માટે સિવિલ હોસ્પિટલમાં કડક અને લોખંડી પહેરો ગોઠવવામાં આવ્યો છે.તદુપરાંત બધા વોર્ડમાં પણ નિવૃત્ત આર્મીમેનની ગોઠવણી થાય અને સિવિલ હોસ્પિટલના બધા વિભાગોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી તાકીદે વ્યવસ્થાની ગોઠવણીની પ્રક્રિયા પણ સિવિલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરક્ષાના મામલે બાંધછોડ નહી ડો. આર.એસ. ત્રિવેદી
સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સિક્યુરિટી ગાર્ડને કેટલાક નિયમોનું નિર્દેશન કરવામાં આવ્યું છે.સિવિલમાં દરેક વિભાગમાં આટલી જ કડક સુરક્ષાવ્યવસ્થાની જોગવાઈઓ કરવામાં આવશે.જે ટૂંક સમયમાં જણાય રહેશે.આ નિયમો દરેક વ્યક્તિ માટે સમાન રાખવામાં આવશે.સિવિલ હોસ્પિટલમાં બિનજરૂરી ત્રાસ ઊભો કરતા અમુક અસામાજિક તત્ત્વોની અવર જવર સંપૂર્ણપણે અટકાવવામાં હેતુથી આ નિયમવ્યવસ્થા ઘડવામાં આવી છે.મેળાની જેમ ઉભરાતા દર્દીના સગા અને આવારા તત્ત્વોને દર્દીને સેવા આપવામાં અવરોધરૂપ બનતા હોવાથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.