ભગવાન રામે કિન્નરોની ભકિત અને શ્રદ્ધાથી ખુશ થઈને કહ્યું હતું કે, તમારા આપેલા આશિર્વાદ કોઈપણ જીવને ફળી જશે: કિન્નરોનાં પણ લગ્ન થાય છે, પરંપરા પ્રમાણે કિન્નરો એરાનદેવ સાથે પરણે છે
સામાન્ય લોકો માટે કિન્નરોનું જીવન રહસ્યોભર્યું લાગે છે. કિન્નરોનાં જીવન અને તેની દિનચર્યા વિશે લોકો ખુબ ઓછુ જાણતા હોય છે ત્યારે વેરાવળમાં રહેતા કિન્નર પલક ચાવડાની કલમે કિન્નરોનાં જીવનમાં એક ડોકયુ કરવામાં આવ્યું છે.
પલક ચાવડાનાં જણાવ્યા અનુસાર અત્યારે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં કુલ ૪૮ કિન્નર છે જેમાં જુનાગઢમાં ૨૫, જેતપુરમાં ૧૧, વિસાવદરમાં ૪, લાઠીમાં ૧, બગસરામાં ૩, તાલાલામાં ૨, વેરાવળમાં ૨ જે લોકોનો મઢ જેતપુરમાં છે. અત્યારે જેતપુરમાં નિશાદે શારદાદે નાયક છે જેના હાથ નીચે આ લોકોએ કામ કરવાનું હોય છે.કિન્નરોએ રોજ સવારે ઉઠી પુજા પાઠ કરી ભિક્ષાવૃતિ માટે જવાનું હોય છે કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યાંથી વરરાજાની વધાઈ લેવાની હોય છે. તહેવારોમાં દુકાનોએ ભિક્ષા માંગી ગુજરાન ચલાવવામાં આવે છે. કિન્નર લોકોને જે કંઈ ભેટ મળે છે તેમાંથી તેઓનાં ગુરુ, મઢ, અને માતાજીનો હિસ્સો આપવાનો થાય છે કિન્નર લોકો જયાં ભિક્ષાવૃતિ માટે જાય છે ત્યાં તે લોકો પોતાના ગુરુનાં ફોટાવાળા આઈકાર્ડ, એડ્રેસ નંબર આપે છે જેથી કોઈ નકલી કિન્નર આવે તો જાણ કરી શકે કોઈ પણ નકલી કિન્નર એટલે કે કિન્નર ન હોવા છતાં કિન્નર બની પ્રજાને હેરાન કરતા હોય તેની જાણ એડ્રેસ નંબર ઉપરથી કરવાથી નકલી કિન્નરને પોલીસને સોંપવાની કામગીરી કરવામાં આવે છે અને પ્રજાને આવા ઢોંગીઓને ભિક્ષા ન આપવા સલાહ આપવામાં આવે છે. આ માટે જે સાચા કિન્નરો હોય છે તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને નકલી કિન્નરોથી સાવચેત રહેવું જોઈએ.
કોઈ પણ બાળક કિન્નર હોય તો કિન્નર સમાજ પોતે જ તે બાળકનું લાલન પાલન કરે છે. કોઈ પણ નવા સદસ્યોનું સ્વાગત કિન્નર ખુબ જ ધૂમ ધામથી કરે છે. ત્યારબાદ તે બાળક જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તે કિન્નરોથી જોડાયેલ પરંપરામાં જોડવા લાગે છે. તમે જોયું હશે કે કિન્નરો ખુશીના મોકા પર આવી જતા હોય છે અને નાચવા લાગતા હોય છે અને શુકન રૂપે પૈસા લેતા હોય છે જેમ કે લગ્ન પ્રસંગ વગેરે. તો તે તેમની એક પરંપરાનો ભાગ છે. તો તેની પાછળ પણ એક રોચક કથા રહેલી છે. જેનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાંથી મળી આવે છે. જ્યારે શ્રી રામ વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યાની પ્રજા અને કિન્નરો રામની પાછળ પાછળ જવા લાગ્યા. ત્યારે ભગવાન રામ તેમને બધાને પરત જવાનું કહીને વનવાસમાં જતા રહ્યા. ત્યારબાદ ૧૪ વર્ષ બાદ ભગવાન રામ વનવાસ ભોગવીને પરત આવ્યા ત્યારે ત્યાં તેમની પ્રજા તો ન હતી. પરંતુ કિન્નર ત્યાં ઉભેલા હતા અને ભગવાન રામની પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. મતલબ ૧૪ વર્ષ સુધી કિન્નરોએ ભગવાન રામની રાહ જોઈ. તેમની ભક્તિ અને શ્રધ્ધાથી ખુશ થઈને ભગવાન રામે તેમને એક આશીર્વાદ આપ્યા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહિ જાય. તેમને દરેક ખુશીમાં સામેલ કરવામાં આવશે. તેઓ જેને પણ આશીર્વાદ આપશે તેના પર તે આશીર્વાદની અસર જરૂર થશે.
વધુમાં કિન્નરોનાં ગુરૂ પણ હોય છે. કિન્નરોનાં ગુરુને એ પણ ખબર હોય છે કે કયાં કિન્નરનું મૃત્યુ કયારે થશે. પરંતુ મિત્રો કિન્નરોનાં મૃત્યુ પહેલા તેનાં લગ્ન વિશેની અદભુત વાત પણ જાણી લઈએ. કિન્નરોના પણ લગ્ન થાય છે. તેમના લગ્ન તેમના દેવ એરાવન સાથે થાય છે. તેના સંબંધિત પણ એક કથાનો ઉલ્લેખ મહાભારતમાંથી મળી આવે છે મહાભારતમાં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને એરાવન સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી કિન્નરો પણ એક દિવસ માટે એરાવન સાથે લગ્ન કરે છે. તેની વિગતવાર કથા આ પ્રમાણે છે. એકવાર અર્જુનના દ્રોપદીથી લગ્નની શરતનું ઉલ્લંઘન કરવા માટે અર્જુનને ઇન્દ્રપ્રસ્થમાંથી એક વર્ષ માટે નિષ્ઠાષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ અર્જુન દક્ષીણ ભારતમાં જતા રહ્યા ત્યાં તેની મુલાકાત એક નાગ રાજકુમારી સાથે થઇ.તે નાગ રાજકુમારી પહેલી જ નજરમાં અર્જુનને પોતાનું દિલ આપી બેઠી હતી અને અર્જુનને પણ તે નાગ રાજકુમારી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બંનેએ લગ્ન પણ કરી લીધા અને બંનેને એક પૂત્ર પણ થયો. અને તે જ પૂત્ર હકીકતમાં એરાવન દેવ છે.
જ્યારે એરાવન દેવ મોટા થયા ત્યા રે તે પોતાના પિતા અર્જુનને મળવા નીકળી પડ્યા અને તે સમયે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે પાંડવોએ પોતાની જીત માટે માતા મહાકાલીને એક રાજકુમારની બલી આપવાની હતી. ત્યારે કોઈ પણ રાજકુમાર બલી આપવા માટે તૈયાર ન થયા. ત્યારે એરાવન દેવ બલી આપવા માટે તૈયાર થયા. પરંતુ તેણે એક શરત મૂકી કે તે કુંવારા બલી નહિ ચડે. ત્યારબાદ એક મોટી સમસ્યા ઉભી થઇ કે કોઈ પણ પોતાની દીકરીના લગ્ન એરાવન દેવ સાથે કરવા માંગતા ન હતા. કારણ કે બીજા દિવસે તેની બલી ચડવાની હતી. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એરાવન દેવ સાથે લગ્ન કર્યા આમ આ કથાનાં કારણો કિન્નરોનાં પણ લગ્ન થાય છે.
કિન્નર બનવા પાછળનું વૈજ્ઞાનિક અને શાસ્ત્રોકત કારણ
કોઈ પણ બાળક ગર્ભમાં કિન્નર કંઈ રીતે બની જાય છે. શા માટે ગર્ભમાં રહેલા બાળકમાં મહિલા અને પુરુષ બંનેના ગુણ આવે છે? જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ વાત કરીએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના ખુબ નાજુક હોય છે. ગર્ભ રહ્યાના ત્રણ મહિનામાં સ્ત્રી કોઈ દવાનો હેવી ડોઝ લઇ લે અથવા તો કોઈ ખોટી દવા ખાઈ લે અથવા તેના શરીરમાં કોઈ હોર્મોનલ સમસ્યા સર્જાય કે પછી તે મહિલા સાથે કોઈ દુર્ઘટના બને તો તેવામાં ગર્ભમાં રહેલ બાળકના કિન્નર બનવાની સંભાવના વધી જાય છે. માટે પહેલા ત્રણ મહિના ગર્ભવતી મહિલાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અધ્યાત્મિક દ્રષ્ટીથી જોઈએ તો તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાંથી મળી આવે છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જ્યાં પાપોના કારણે વ્યક્તિને કિન્નરની યોની પ્રાપ્ત થાય છે. જે પુરુષ બળાત્કાર જેવો અપરાધ કરે છે તો તેને આગળના જન્મમાં કિન્નરની યોની પ્રાપ્ત કરે છે.જે લોકોએ તેના આગળના જન્મમાં કોઈ પણ સ્ત્રીની છેડતી, બળાત્કાર, કિન્નાખોરી, ચોરી, ખૂન જેવા અપરાધ કર્યા હોય તેવા લોકોને બીજા જન્મમાં કિન્નરની યોની મળે છે.