• ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
  • ધૂળનું તગારૂં લેવા જઈ રહેલી પરપ્રાંતિય સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપો આવવાથી કરુણ મૃત્યુ
  • પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે

Jamnagar : ધ્રોલ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે. આ દરમિયાન ધૂળનું તગારું લેવા જઈ રહેલી 15 વર્ષની પર પ્રાંતીય સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં આવી જતાં ગળા ટુંપો લાગવાથી બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત ભરત વાડોદરિયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા બાનુ વસુનિયાની 15 વર્ષની પુત્રી અનિતા, કે જે ઘૂળનું તગારું લેવા જઈ રહી હતી, તે દરમિયાન અકસ્માતે તેની ચૂંદડી થ્રેસર મશીનમાં આવી ગઈ હતી, અને પુલીમાં વીંટાઈ જવાથી તેણીને ગળે ટૂંપો આવી ગયો હતો. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.

આ બનાવ બાદ 108ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને તેઓએ અનિતાને તપાસીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવ અંગે મૃતક ના મોટાભાઈ સતીષ વસુનીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : સંજય ડાંગર ધ્રોલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.