અવાર નવાર કારખાનેદારને ફોન કરી અને ઘરે આવી ધમકી આપી ખંડણી વસુલવા આપી ધમકી
રાજકોટ શહેરમાં રહેતા અને મુળ ગોંડલ તાલુકા રીબડા ગામના વતની પટેલ પરિવારની વડીલોપાર્જીત જમીનનું વેચાણ કરતા ગામનો જ શખ્સે અવાર નવાર ફોન કરી અને ઘરે રૂબરૂ આવી રૂ. 7 લાખની ખંડણી વસુલવા માટે ધમકી આપ્યાની ભકિતનગર પોંલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
કોઠારીયા રોડ પરના મેઘાણીનગર શેરી નં. 4માં રહેતા અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પેન્ટાગોન પેપર નામથી હોલસેલનો ધંધો કરતા વિપુલ વલ્લભ વણપરીયા (ઉ.વ.45)એ રીબડામાં વારસાઇ જમીન વેચતા આરોપી મુકેશ બચુ દોંગા (રહે. પ્રદ્યુમનપાર્ક શેરી, 3 ) એ કોલ કરી રૂા. 7 લાખની ખંડણી માંગ્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં જણાવ્યું છે તેના ગામનો આરોપી મુકેશ રીબડા ગામમાં કોઇપણ પટેલ જમીન વેચે એટલે તેમને ધમકી આપી પૈસા પડાવવાનું કામ કરે છે. બે મહિના પહેલા તેણે રીબડામાં આવેલી 22 વિઘા વારસાઇ જમીન વેચી હતી. જેમાં તેના પિતા સહિતના બધા ભાઈના હિસ્સે રૂા.37 લાખ આવ્યા હતા.
પખવાડિયા પહેલા તેના પિતાએ કહ્યું કે તેને આરોપી મુકેશે કોલ કરી કહ્યું કે તમે જમીન વેચી છે, તેમાં બધાની જેમ મને એક એકરે રૂા.એક લાખ આપવા પડશે. જેથી તેના પિતાએ બધા ભાઈઓને પૂછીને વાત કરીશ તેમ કહી કોલ કાપી નાખ્યો હતો.ગઇ તા.18ના રોજ આરોપી મુકેશે કોલ કરી રૂા.7 લાખની ખંડણી માગી છે. એટલું જ નહીં એવી પણ ધમકી આપી છે કે તમારે જીવવું હોય તો રૂપિયા આપવા પડશે. જેથી તેનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે.
તેજ રાતે આરોપી મુકેશ ટુ-વ્હીલર લઇને તેના ઘરે આવ્યો હતો.ત્યાં હાજર બધાને કહ્યું કે તમે ગામડે જમીન વેચી છે. તેના તમારે અમારા ગ્રુપને રૂા.7 લાખ આપવા પડશે. વધુમાં કહ્યું કે ગામમાં કોઇપણ જમીન વેચે એટલે અમને કમિશન પેટે બધા રૂપિયા આપે છે, એટલે તમારે પણ આપવા પડશે, જો રૂપિયા નહીં આપો તો તમને બધાને જાનથી મારી નાખીશ.
અવારનવાર તેના પિતાને કોલ કરી રૂપિયા માટેધાકધમકી આપતો હતો. છેવટે કંટાળીને તેના વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ક્લમ384, 506 (2) હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.