તસ્કરના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ
લીંબડી એસટી ડેપોમાંથી નિવૃત્ત કર્મચારીના રૂ.4 લાખ ભરેલા બેગની ઉઠાંતરી કરી ગઠિયા ફરાર થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયા એસટી બસ સ્ટેશનની કેન્ટીનના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
લીંબડી તાલુકાના ચોકી ગામના મહાદેવભાઈ ગંગારામભાઈ પટેલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બજુર ગામની શાળાનાં પટ્ટાાળા તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્ત થયા બાદ મહાદેવભાઈ પટેલ સુરત કાંસાડ વરિયાવ સાયણ ચેક પોસ્ટ બાજુમાં આવેલા પ્રમુખ એવન્યુ એફ-205માં રહેતા પુત્રના ઘરે નિવૃત્ત જીવન ગાળતાં હતા. સોમવારે પેન્શનની હયાતી માટે તેઓ સુરેન્દ્રનગર આવ્યા હતા. સુરેન્દ્રનગર કામ પૂર્ણ કરી વઢવાણના બલદાણા ગામે રહેતી પુત્રીની ત્યાં તેમને રાત્રિ રોકાણ કર્યું.
મંગળવારે તેઓ બલદાણાથી લીંબડી આવ્યા હતા. સુરત પ્લોટ લેવા માટે તેમને એસબીઆઈ બેંકમાંથી રૂ.4 લાખ ઉપાડયા હતા. પૈસા નોકરીના દસ્તાવેજી પુરાવા સાથે થેલામાં મૂકી સુરત જવા માટે તેઓ લીંબડી બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા. બસસ્ટેન્ડના બાકડા ઉપર પૈસા ભરેલો થેલો મૂકી તેઓ સુરત જતી બસનું બોર્ડ જોવા ગયા હતા. બોર્ડ જોઈને પરત ફર્યા ત્યાં સુધીમાં તો પૈસા ભરેલો થેલો ગુમ થઈ ગયો હતો. આ અંગે તેમને એસટી ડેપો અને પોલીસ મથકે જાણ કરી હતી.
પીએસઆઈ એમ.બી. જાડેજા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસટી ડેપોની કેન્ટીનના સીસીટીવી કેમેરા ચેક કરતાં જાણવા મળ્યું હતું કે સફેદ કલરનો શર્ટ પહેરેલો યુવક થેલો લઈ પલાયન થઈ ગયો હતો. ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી દીધી છે. આ અંગે પીએસઆઈ મહાવીરસિંહે જણાવ્યું હતું કે બેંકના સીસીટીવી કેમેરા ચેક કર્યા તેના ઉપરથી લાગી રહ્યું છે કે ચોરી કરનાર યુવાન બેંકથી જ મહાદેવભાઈનો પીછો કરતો હતો. ચોરી કરનાર એક નહિં પણ બે શખ્સો હોવાની પુરી શક્યતા છે. લીંબડીમાં અને હાઈ-વે પર પોલીસ ટીમને ગોઠવી શોધખોળ હાથ ધરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસ.ટી.બસ સ્ટેન્ડમાં દિનદહાડે રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો શખ્શ બસ સ્ટેન્ડના બાકડા પર થી રૂપિયા 4 લાખ રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરી નાસી છુટતો નજરે પડે છે. લીંબડીના ચોકી ગામના મુસાફરના રોકડ રૂપિયા ચાર લાખ ભરેલા થેલાની ઉઠાંતરી કરી અજાણ્યો શખ્શ નાશી છૂટયો હતો. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજને આધારે નાશી છુટેલા અજાણ્યા શખ્શને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.