ચાર અલગ-અલગ ચાર ઝોનના ભાજપના આગેવાનોનો પેનલમાં સમાવેશ: કાલે સીએમ અને સી.આર. દિલ્હી જશે
ગુજરાતના રાજ્યસભાના ત્રણ સાંસદો આગામી ઓગસ્ટ માસમાં નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આગામી 24મી જુલાઇના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવાની ઘોષણા કરવામાં આવી છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જવા પામી છે. રાજ્યસભાની ત્રણ બેઠકો પૈકી ભાજપ બે ઉમેદવારોની ટિકિટ કાપે તે નિશ્ર્ચિત મનાઇ રહી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરને રિપીટ કરવામાં આવશે. તે ફાઇનલ મનાઇ રહ્યું છે. ભાજપ દ્વારા અલગ-અલગ બે બેઠકો માટે 8-12 નામોની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ચાર ઝોનના આગેવાનોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જવાના છે. જો કે, ઉમેદવારોની પસંદગી માટેની આખરી સત્તા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આપવામાં આવી છે.
વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડીયાની મુદ્ત આગામી 8મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે આ ખાલી પડનારી બેઠકો ભરવા માટે આગામી 24મી જુલાઇના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ ઉપરાંત બંગાળની 6 અને ગોવાની એક બેઠક માટે ચૂંટણી થશે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 હોય તમામ ત્રણેય બેઠકો ભાજપ જાળવી રાખશે. ઉમેદવારો નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અલગ-અલગ ચાર ઝોનમાંથી પક્ષને સમર્પિત આગેવાનો અને કાર્યકરોના નામની પેનલ બનાવવામાં આવી છે. અલગ-અલગ ત્રણ બેઠકો માટે 8 થી 12 નામોની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તમામ જ્ઞાતિના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોની ફાઇનલ મંજૂરી માટે આગામી 10મી જુલાઇના રોજ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ આ નામો દિલ્હી દરબારમાં રજૂ કરી દેવામાં આવશે. જો કે, નામ નક્કી કરવાની તમામ સત્તા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિદેશ મંત્રી એસ.જયશંકરને રિપીટ કરવામાં આવે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. જ્યારે નવા બે ચહેરાને રાજ્યસભામાં લઇ જવાશે. જે પૈકી એક ક્ષત્રિય અગ્રણી હશે કારણ કે હાલ લોકસભા કે રાજ્યસભામાં એકપણ ક્ષત્રિય સાંસદ નથી. બીજી તરફ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ પદ ક્ષત્રિય સમાજને સોંપ્યું હોવાના કારણે ભાજપ હવે જ્ઞાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી એક બેઠક ક્ષત્રિય સમાજને આપે તેવું માનવામાં આવી રહ્યું છે.
જ્યારે અન્ય એક બેઠક પર ઓબીસી અથવા આદિવાસી સમાજના આગેવાનને તક મળે તેવી સંભાવના જણાઇ રહી છે. સંભવિત 11મી જુલાઇ આસપાસ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ ઘોષિત કરી દેશે અને 12મી જુલાઇના રોજ શુભ વિજય મુહુર્તે નામાંકન પત્ર દાખલ કરશે. કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારે તેવી કોઇ જ શક્યતા લાગતી નથી. છતાં ઉમેદવાર ઉતારશે તો પણ તમામ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.