સફાઇ કામદારની નજર ચૂકવી દીપડો નાસી ગયો હતો
એક અઠવાડિયા પહેલા સક્કરબાગ ઝૂમાંથી ફરાર થઈ ગયેલ દીપડો અંતે પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો અનુભવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત પાંચ સપ્ટેમ્બરના રોજ સક્કરબાગ ઝુ પ્રાણી સંગ્રહાલયમાં પાંજરે રાખવામાં આવેલા આઠ વર્ષનો દીપડો, પાંજરામાં સફાઈ કર્મી જ્યારે રૂટિન પ્રમાણેની સફાઈ કામગીરી કરી રહેલ હતા ત્યારે સફાઇ કામદારની નજર ચૂકવી દીપડો ફરાર થઇ ગયો હતો, અને દીપડો ફરાર થતા સક્કરબાગ ઝૂ સત્તાવાળાઓની ઊંઘ હરામ થઈ જવા પામી હતી.
જો કે સક્કરબાગ અને વન વિભાગ દ્વારા દિપડાના પગના નિશાનનું મોનીટરીંગ કરી, પાંચ જેટલા પાંજરા દીપડાને કેદ કરવા માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં સફળતા મળી હતી અને દીપડો પાંજરે પૂરાયો હતો.
ઝું સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ઝૂ માથી ફરાર થઈ ગયેલો દીપડો માનવભક્ષી ન હતો, પરંતુ ઝૂ માં જ જન્મેલો પાંજરે રખાયેલો હતો. અને અંતે તે પકડાઈ જતાં તેમને ફરી ઝૂ માં લાવવામાં આવેલ છે અને હવે તેમને આજીવન પાંજરામાં રાખવામાં આવશે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વધુ વિગતો અનુસાર દીપડા સહિતના હિંસક પ્રાણીઓ દ્વારા જ્યારે માનવ પર હુમલો કરવામાં આવે છે ત્યારે એ હિંસક પ્રાણીને વન વિભાગ દ્વારા પકડી પાડી તેમને આજીવન કેદની સજાની જેમ એટલે કે, આજીવન પાંજરામાં રાખવામાં આવે છે, અને તાજેતરમાં જ ભવનાથ ખાતે એક આધેડને તથા ૫૦૦ પગથિયાં ઉપર એક સાધુને ફાડી ખાનાર દીપડાને પણ આ જ રીતે પકડી પાડી હાલમાં આજીવન પાંજરે પૂરી દેવામાં આવ્યા છે.