માતા કોરોના સંક્રમિત થયા બાદ બાળકને પણ ચેપ લાગ્યાની શંકા
શહેરમાં ગઇકાલે દિવસ દરમિયાન કોરોનાના નવા સાત કેસ નોંધાયા હતા. શહેરના વોર્ડ નં.10માં રવિરત્ન પાર્ક વિસ્તારમાં એક વર્ષનું માસૂમ બાળક કોરોના સંક્રમિત થતાં આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. બાળકની માતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાળકમાં થોડા લક્ષણો જણાતા તેનો રિપોર્ટ કરવામાં આવતા તે પણ કોરોનાગ્રસ્ત થયું છે. જો કે હાલ બંનેની તબિયત સ્થિર છે અને હોમ આઇસોલેશન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં શુક્રવારે વોર્ડ નં.14 કેવડાવાડી વિસ્તારમાં 20 વર્ષની યુવતી, મિલપરા વિસ્તારમાં 27 વર્ષની યુવતી, વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પુનીતનગર એરિયામાં 18 વર્ષની યુવતી, વોર્ડ નં.11માં કાલાવડ રોડ પર 62 વર્ષના વૃધ્ધ, વોર્ડ નં.10માં રવિરત્ન પાર્કમાં માતાને અને એક વર્ષનું બાળક જ્યારે વોર્ડ નં.6માં અક્ષર સિટી વિસ્તારમાં 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ શહેરમાં 63 એક્ટિવ કેસ છે. કુલ 63,969 કેસ નોંધાયા છે. ગઇકાલે 14 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. આજ સુધીમાં 63,407 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિક્વરી રેટ 99.11 ટકા જેવો છે. કુલ 18.64 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝીટીવીટી રેટ 3.90 ટકા જેવો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ સારી બાબત એ છે કે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું નથી.