શાપર વેરાવળ મેઇન રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં બીલીપત્ર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302 માં નર્સિંગ યુવતીએ ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ પ્લેટ માંથી પાડોશીને મૃતદેહની દુર્ગંધ આવતા તેને પરિવારને જાણ કરી હતી અને પરિવારજનોએ ઘરે આવી તપાસ કરતા યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવવામાં મામલે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
માતા-પિતા ગામડે વેકેશન કરવા ગયા ત્યારે પખવાડિયા પૂર્વે નવા લીધેલા ફ્લેટમાં જીવન ટૂંકાવી લેતા અરેરાટી: કારણ અંગે પોલીસ તપાસ
બનાવવા અંગે મળતી માહિતી મુજબ શાપર વેરાવળ મેઇન રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં બીલીપત્ર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302 માં અને લાઈફ લાઇન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી કાજલબેન ભીખુભાઈ કોટડીયા નામની 26 વર્ષીય યુવતીએ પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કર્યો ત્યારે તેના માતા પિતા વેકેશન કરવા માટે ગામડે ગયા હતા જેથી તેનું મકાન બંધ હતું ત્યારે તેના પાડોશીને આ ફ્લેટમાંથી દુર્ગંધ આવતા તેને યુવતીના માતા પિતાને જાણ કરી હતી
જ્યારે તેઓ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા યુવતી લટકતી હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યુ છે. જ્યારે આ બનાવની જાણ કરતા પોલીસ સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી લાઇફ લાઇન હોસ્પિટલમાં છેલ્લા આઠ વર્ષથી નર્સ તરીકે નોકરી કરતી હતી. અને તે ત્રણ બેન અને એક ભાઈમાં મોટી હતી. પરિવાર દ્વારા આ ફ્લેટ પખવાડિયા પહેલા જ ખરીદવામાં આવ્યો હતો અને ત્યાં તેઓ રહેવા માટે ગયા હતા જેથી નવા ફ્લેટમાં યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.