- કેદીઓને આપઘાત સહિતના વિચારો આવે તે પૂર્વે જ કાઉન્સિલિંગ કરી દેવાશે
- કેદીઓને માનસિક રીતે સ્થિર રાખવા સોશિયલ સાઈકો સેન્ટરનો હાઇકોર્ટના ચીફ જસ્ટિસે વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો
સામાન્ય રીતે લાંબા સમયથી જેલમાં રહેતા બંદીવાનો હતાશ થઈને માનસિક રીતે અસ્થિર થઇ જતાં હોય છે. પરિણામે બંદીવાનો આપઘાત સહિતના પગલાંઓ ભરતા હોય છે. ત્યારે બંદીવાનોને હતાશામાંથી બહાર કાઢવાના ઉદેશ્ય સાથે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સોશિયલ સાયકો સેન્ટરનો હાઇકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુલી પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર લાંબો સમય જેલમાં રહેવાના કારણે બંદીવાનો હતાશ થઈને માનસિક રીતે અસ્થિર થઇ જતાં હોય છે. ઉપરાંત તેઓ પોતાની માનસિક પરિસ્થિતિ વિશે કોઈને કશુંક પણ કહી શકતા નથી. હતાશામાં આવીને કેદીઓ આપઘાત સહિતના પગલાં ભરી લેતા હોય છે. તાજેતરમાં જ મધ્યસ્થ જેલના 5થી વધુ કેદીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે આ કેદીઓને માનસિક રીતે સ્થિર રાખવા માટે મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા સોશિયલ સાઈકો સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વર્ચ્યુલી આ સેન્ટરને ખુલ્લો મુક્યો હતો. આ તકે રાજકોટ એડીઆર ભવનના સેક્રેટરી એન એચ નંદાણીયા, જેલ અધિક્ષક શિવમ વર્મા તેમજ જેલ તંત્રના કર્મચારીઓ અને બંદીવાનો હાજર રહ્યા હતા.
સોશિયલ સાઈકો સેન્ટર ખાતે સપ્તાહમાં ત્રણ વાર ડો. નયન નારીયા, ડો. શ્વેતા પરમારની ટીમ હાજર રહેશે. તેઓ માનસિક રીતે અસ્થિર થયેલા બંદીવાનોનું કાઉન્સિલિંગ કરશે અને કેદીઓના આપઘાતના બનાવને ટાળવા પ્રયત્ન કરશે.
કેદીઓની ફિટનેશ માટે ટૂંક સમયમાં જિમ શરૂ કરાશે
જેલમાં રહેલા કેદીઓની ફિટનેશ માટે ટૂંક સમયમાં જેલ પરિસરમાં એક જિમ શરૂ થવા જઈ રહ્યું છે. જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે અને ફિટનેશના સાધનોનું લિસ્ટ તૈયાર કરી ઓર્ડર આપવા માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. આ જિમમાં કેદીઓ અને જેલ તંત્રના કર્મચારીઓ ફિટનેશના પાઠ ભણી શકશે.
જેલમાં યોજાયો બંદીવાન રમતોત્સવ : કાચા-પાકા કામના કુલ 500 કેદીઓએ ખેલદિલી સાથે પ્રદર્શન કર્યું
મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન રમતોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાચા અને પાકા કામના કુલ 500 જેટલાં કેદીઓએ ભાગ લીધો હતો. રમતોત્સવમાં કુલ પાંચ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં કેરમમાં 140 જેટલાં કેદીઓએ ભાગ લીધો હતો અને આજીવન કેદની સજા ભોગવતાં શનિ શામજી મકવાણા નામના કેદી વિજેતા બન્યા હતા. ચેસ સ્પર્ધામાં 50 કેદીઓએ ભાગ લીધો હતો અને ભરણ પોષણના આસન કેદની સજા પામનાર નાસીર હુસેન વિજેતા બન્યા હતા. પોસ્ટકાર્ડ સ્પર્ધામાં 35 કેદીઓએ ભાગ લીધો હતો અને તેમાં કાચા કામના કેદી હિમાલય વિનોદભાઈ કિયાળા અને પ્રશાંત નરેશ વંડરા વિજેતા બન્યા હતા. રસ્સાખેંચમાં 71 કેદીઓએ ભાગ લીધો હતો. જેમાં બાહુબલી, દબંગ, ટાઇગર અને સિંઘમ નામની ચાર ટીમો બનાવવામાં આવી હતી અને બાહુબલી ટીમ વિજેતા થઇ હતી. જયારે વોલીબોલમાં 150 જેટલાં કેદીઓએ ભાગ લીધો હતો. આ તમામ કેદીઓને રમતોત્સવ માટે યુનિફોર્મ-કીટની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તમામ વિજેતાઓને સંભવત: રાજ્યના જેલ વડાના હસ્તે ટ્રોફી અને ભાગ લેનારને પ્રશંસા પ્રમાણપત્ર આપવામાં આવનાર છે.