ચિપકો આંદોલનનાં મૂળ આમ તો રાજસ્થાનમાં રોપાયેલાં. 18મી સદીનાં પ્રારંભિક દાયકામાં અમૃતા દેવીની આગેવાનીમાં 84 ગ્રામજનોએ રાજાનાં આદેશની અવગણના કરી વૃક્ષો કપાતા બચાવ્યા હતા અને એ પણ પોતાનાં જીવનાં જોખમે. આ ઘટના પરથી આ આંદોલન પ્રેરિત હતું. તેનો પ્રારંભ ઉતરપ્રદેશનાંતહેરી, પાઉરી, ઉતરકાશી,ચીમોલી જિલ્લામાં થયો હતો. અહીંની પ્રજા ખેતી અને જંગલ પેદાશો પર પોતાનું ગુજરાન ચલાવે છે.
1960 માં સર્વોદય કાર્યકરોએ બાંધકામ મજૂરોનાં સંગઠન માટે કામદાર મંડળી સ્થાપી. તે પછી દામોલી ગ્રામ સ્વરાજ મંડળીની સ્થાપના સ્વરોજગાર માટે સ્થપાઈ. એ સમયે સરકારે એવું જાહેર કર્યું કે ખેત ઓજારો માટેનાં લાકડાં મેળવવા ‘બોલી લગાવીને’ કોન્ટ્રેક્ટ દેવો. પણ આમાં નાણાકીય રીતે સદ્ધર ખાનગી કોન્ટ્રેક્ટરો બાજી મારી ગયા. ગરીબ લોકોએ જંગલની પેદાશોને બજારમાં વેચવા મૂકી અને નાના ઉદ્યોગો શરૂ થયા પણ સરકારી મદદ ન મળતાં ઉદ્યોગો બંધ થયા અને લોકો બેકાર થઈ ગયા. એ જ અરસામાં સરકારે સાયમન કંપનીને રમતગમતનાં સાધનો બનાવવા વૃક્ષો કાપવાની મંજૂરી આપી પણ સહકારી મંડળીને ખેતઓજારો બનાવવા વૃક્ષો કાપવાની પરમિશન ન મળી. લોકોએ સરકારનાં આવા તઘલખી નિર્ણયો સામે અસંતોષ વ્યક્ત કરતાં 27 માર્ચ, 1973 નાં રોજ એવું નક્કી કર્યું કે દરેક લોકોએ વૃક્ષો પર ચોકી પહેરો રાખવો. લોકો વૃક્ષને અડગતાથી વળગી રહ્યા. ચિપકી રહ્યા જેથી આ આંદોલન ચિપકો આંદોલન કહેવાયું.
એ સમયે ત્યાનાં રાની જંગલોનાં 2500 જેટલાં વૃક્ષોને સરકારે લિલામ જાહેર કર્યા. સરકારની વનનીતિ સામે અમુક લોકોએ અવાજ ઉઠાવ્યો જેમાં સુંદરલાલ બહુગુણા,ગૌરી દેવી, ચંડી પ્રસાદ ભટ્ટ મુખ્ય આગેવાન હતાં. તેઓએ ગરીબ પ્રજાને જંગલનું મહત્ત્વ, તેનાં વિનાશથી ઘટનારી વિનાશલીલા વિશે સમજાવ્યું અને આંદોલનમાં ડર વગર જોડાવા આહ્વાન કર્યું. ગૌરીદેવીએ મહિલાઓને આ કાર્ય માટે તૈયાર કર્યા. મહિલાઓએ અડગતાથી ધીમા પણ મક્કમ પગલે સરકારની વનનીતિઓનો સામનો કર્યો. તેમની હિંમતનાં કારણે એક પણ વૃક્ષ કપાયું નહી. ખાનગી કોન્ટ્રાક્ટરો અને સરકારનો પોલીટિકલ એન્ડ ફાયનાન્સિયલ પાવર ગરીબ વનવાસીનાં મજબૂત મનોબળ સામે અંતે ઝૂકી ગયો. સરકારે આવનારા પંદર વર્ષો સૂધી એ જંગલોમાં એક પણ વૃક્ષ નહીં કપાય તેની બાંહેધરી આપી. પરંતું સુંદરલાલ બહુગુણા તેનાંથી અટક્યા નહી. તેમણે ગામેગામ જઈ લોકોને વૃક્ષોની અને જંગલની કાળજી માટે પ્રતિબદ્ધ કર્યા. આ આંદોલનની ગાઢ અસર હિમાચલથી લઈ અરુણાચલ સૂધી થઈ. સરકારની વનવિષયક અનીતિઓને કારણે પર્યાવરણ પર ખરાબ અસરો થાય છે તેની સામે થયેલું આ આંદોલન સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી બની ગયું છે.
કેરળ રાજ્યનાં એક મુસ્લિમ વ્યક્તિ અબ્દુલ કરીમે પોતે ખરીદેલી 32 એકર જમીનમાં એક જંગલ ઊભું કર્યું છે. શરૂઆતમાં તેણે પોતાનાં સાસરાનાં ગામ પાસે 5 એકર જમીન ખરીદી પણ જ્યારે તેમાં જંગલ બનાવવાનો વિચાર રજૂ કર્યો ત્યારે લોકોએ ખૂબ મશ્કરી કરી. કારણ કે એક તો એ જમીન વેરાન હતી અને બીજું આવો વિચાર કોઈને આવતો નથી. ધીમે ધીમે તેમણે 32 એકર જમીન ખરીદી જંગલ ઊભુ કરી દીધુ, કેરળ સરકારે આ કામ માટે તેનું સન્માન પણ કર્યુ હતું.
:-આર્ટીકલ ગમે તો અચૂક શેર કરો:-
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,