સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પહેલા આધાર અને પાનના લીંકઅપ મુદ્દે અસમંજસ દૂર થઈ

જે વ્યક્તિને પાનકાર્ડ ફાળવવામાં આવ્યું છે તેને આધારકાર્ડ સાથે લીંકઅપ કરાવવું પડશે તેવો નિયમ તાજેતરમાં સરકારે લોકો ઉપર થોપ્યો હતો. પાનકાર્ડ અને આધારકાર્ડ વચ્ચે લીંકઅપ ન થયું હોય તો પાનકાર્ડ નકામા બની જશે તેવું જણાવાયું હતું. જો કે, આ મુદ્દે વડી અદાલતમાં મામલો દાખલ છે અને પાન અને આધારને જોડવા માટેની સમય મર્યાદા પણ વખતો વખત લંબાઈ ચૂકી છે. વર્તમાન સમયે પાન અને આધાર જોડવાની સમય મર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીની છે.

વડી અદાલતમાં પાનકાર્ડ અને આધારકાર્ડને જોડતા મુદ્દે મામલો મુકાયો છે. જો કે, આધાર એકટ ઉપર જ અનેક વખત શંકા મુકાઈ છે. વડી અદાલતની લાર્જર બેંકે આધાર એકટ પર થોડા સમય પહેલા સવાલ ઉઠાવ્યા હતા. મની બીલમાં આધાર એકટને યોગ્ય રીતે દર્શાવાયો છે કે, તે અંગે પણ અરજદારો દ્વારા આક્ષેપ થયા હતા. ત્યારે આવા સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટે આધારકાર્ડને પાનકાર્ડ સાથે ન જોડનાર અરજદારોને રાહત આપતા સમાચાર આપ્યા છે. જ્યાં સુધી વડી અદાલતનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી આધાર સાથે જોડાયેલા ન હોય તેવા પાનકાર્ડ કાર્યરત રહેશે તેવું જણાવાયું છે.

અહીં નોંધનીય છે કે, પાનકાર્ડ અને આધારકાર્ડ જોડવા માટે સરકાર દ્વારા વિવિધ નિયમો ઘડી કઢાયા હતા. આધાર એકટને મની બીલમાં મુકાયો હતો. જો કે મની બીલમાં આધાર એકટ યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો ન હોવાની દલીલ વડી અદાલતમાં થઈ ચૂકી છે. નિયમોની અમલવારી મુદ્દે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. આધાર ફરજીયાત છે કે નહીં તે મુદ્દે પણ વડી અદાલતના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. ત્યારે હવે પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવા મુદ્દે પણ અદાલતમાં જંગ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.