ધારાસભ્ય સહિત સાતના ફોર્મ રદ કરવા અરજી થતા દોડધામ
ધારાસભ્ય રાધવજી પટેલને ધ્રોલના એક કેસમાં સજા થઇ છે
જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય જાડેજાના ઉમેદવારી સામે પણ થઇ વાંધા અરજી
જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભાજપના ધારાસભ્ય સહિત સાત ઉમેદવારી પત્રો રદ કરવા અરજી કરવામાં આવતા ભારે દોડધામ મચી ગઇ છે. જો કે આ મુદાને ઘ્યાનમાં લઇ ફોર્મ ચકાસણીની મુદત એક દિવસ લંબાવવામાં આવી હતી.
જામનગરની ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાવા જઇ રહી છે, અને ૧૩મી જાન્યુઆરીએ મતદાન છે. ત્યારે કુલ ૬૭ ઉમેદવારીપત્ર ભરાયા હતા. જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. જે ઉમેદવારીપત્ર રદ કરાવવા માટે ની હરીફ ઉમેદવાર દ્વારા માંગણી કરવામાં આવી છે. જેને લઇને ભારે દોડધામ થઈ છે. ધ્રોલની અદાલત દ્વારા તાજેતરમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને એક જૂના કેસમાં સજા કરાઈ હોવાથી બેન્કના નિયમો મુજબ ઉમેદવારી કરી ન શકે તેવું કારણ ધરીને ઉમેદવારીપત્ર રદ કરવાની માંગણી કરાતાં તેઓનું ફોર્મ સ્થગિત કરવામાં આવ્યું છે, અને આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે સુનાવણી રાખવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત કુલ સાત ઉમેદવારો સામે વાંધા અરજી રજુ કરાતાં ચકાસણીની મુદત એક એક દિવસ માટે લંબાવવામાં આવી છે.
જામનગરની ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં સહકારી મંડળીના વિભાગ માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે, જ્યારે તેમની સામે હરીફ ઉમેદવાર તરીકે રાઘવજીભાઇ પટેલ ના ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના જ રઘુભાઈ મનજીભાઈ મૂંગરા એ ઉમેદવારી પત્ર ભર્યું છે. ગઇકાલે ઉમેદવારી પત્રો ચકાસવા માટેનો અંતિમ દિવસ હતો, અને ચૂંટણીના ઇન્ચાર્જ જામનગર શહેર વિભાગના મામલતદાર દ્વારા ફોર્મની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન રઘુભાઈ મુંગરા દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે, અને ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ નું ઉમેદવારીપત્ર રદ કરવા માટેની માગણી કરવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના નિયમો અનુસાર કોઇ ઉમેદવાર સામે અદાલતી કાર્યવાહી અથવા તો પ્રક્રિયાઓ થઈ હોય તો તેઓ ઉમેદવારી કરી ન શકે, દરમિયાન ધ્રોલ ની અદાલત દ્વારા જુના એક કેસમાં રાઘવજીભાઈ પટેલ ને તકસીરવાન ઠરાવી સજાનો હુકમ ફરમાવ્યો છે. જોકે તેઓને જામીન મળી ગયા છે, તે હુકમ ને ઉપલી અદાલતમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન તે કેસનો હવાલો લઇને અને બેન્કના નિયમો ધ્યાનમાં રાખીને તેઓનું ઉમેદવારીપત્ર રદ કરવાની અરજી થતા બેંકના વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઇ છે. ચૂંટણી અધિકારી દ્વારા હાલમાં તેઓનું ઉમેદવારીપત્ર સ્થગિત રાખ્યું છે, અને વધુ સુનાવણી બુધવારે ે ૧૨.૦૦ વાગ્યે રાખી છે. આ ઉપરાંત જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલા બ્રિજરાજસિંહ જાડેજા ની ઉમેદવારી સામે પણ વાંધા અરજી કરવામાં આવી છે. તેઓના હરિફ ઉમેદવાર દ્વારા નંદાણા ની મંડળી તેમજ ગોરખડી ગામ ની મંડળી ના જુદા જુદા બે વાંધાઓ કાઢીને ઉમેદવારીપત્ર રદ કરાવવા માટેની માગણી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં જુદી-જુદી સાત વાંધા અરજીઓ કરવામાં આવી છે, અને તમામ અરજીના અનુસંધાને ચકાસણીની મુદત એક દિવસ લંબાવવામાં આવી છે, અને આવતીકાલે ચકાસણી કાર્ય પૂરું કર્યા પછી કેટલા ફોર્મ માન્ય રહ્યાછે, તેની વિગતો જાહેર કરાશે.