કોરોનાની બીજી લહેરનું સંક્રમણ હાલ નહિવત માત્રમાં જોવા મળી રહ્યું છે. સંક્રમણ ઓછું થતા લોકોએ રાહતના શ્વાસ લીધા છે. પરંતુ સંક્રમણની બીજી લહેરમાંથી હજી બહાર નીકળ્યા ત્યાં માથે એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નવા ખતરાને લઈ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર મહત્વપૂર્ણ સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ 8 રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને ડેલ્ટા પ્લસની તૈયારી કરવા જણાવ્યું છે. આ 8 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રાજ્યોને તેના દરેક જિલ્લામાં તાત્કાલિક નિવારક પગલાં ભરવા જણાવ્યું હતું. જેમાં ભીડ અને ભેળસેળની રોકથામ, મોટા પાયે પરીક્ષણ, તાત્કાલિક ટ્રેસિંગ તેમજ અગ્રતા ધોરણે રસી કવરેજ શામેલ છે. ઉપરાંત, પરીક્ષણમાં સકારાત્મક જણાતા લોકોના પૂરતા નમૂનાઓ તાત્કાલિક લેબમાં મોકલવા ખુબ જરૂરી છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કુલ કેસો 51 નોંધાયા છે. કુલ 12 રાજ્યોમાં તેના કેસ જોવા મળ્યા છે. આ 12 રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સુધીમાં અત્યાર સુધીમાં 22 કેસની પુષ્ટિ થઈ છે.