જૈન તપગચ્છ સંઘ સંચાલિત
13 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ઉપાશ્રય : જૈન સમાજમાં આનંદની લાગણી
રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય મણીયાર દેરાસરના આંગણે નૂતન ઉપાશ્રય શ્રી માણીભદ્ર વીર જૈન આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.ગઈકાલે શાસન સમ્રાટ પૂ.નૈમિસૂરી સમુદાયના પૂ.ક્રાંતિકારી વિચારક,પ્રવચન પ્રભાવક, આધ્યાત્મચિંતક મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મહારાજના આદિ ઠાણા,પૂ.સાધ્વીજી ભગવંત પૂ.શ્રી ઇન્દ્રયશાશ્રીજી મ. આદી ઠાણાની પાવન નિષ્ઠામાં શ્રી માણિભદ્ર વીર જૈન આરાધના ભવનનો ભવયાતિભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે આગામોદ્ધોરક સમુદાયના સ્વ પૂ. સાધ્વી શ્રી સુયશાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી વિપુલયશાશ્રીજી મ,સાધ્વીજી શ્રી ધર્મશીલાશ્રીજી મ.,પૂ.સાધ્વીજી શ્રી રમ્યશીલાશ્રીજી મ.,પૂજ્ય સાધ્વીજી શ્રી ભવ્યશીલાશ્રીજી મ. તથા સાધ્વીજી શ્રી ભવ્યશીલાશ્રીજી તથા સાધ્વીજીશ્રી પર્વયશાશ્રીજી આદી ઠાણા ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે આ ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે નિમિત્તે સવારે આઠ કલાકે જિલ્લા પંચાયત ચોકથી રથયાત્રા મણિયાર દેરાસર ખાતે આવી હતી તથા 9:30 કલાકે લાભાર્થી પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સવારે 10 વાગ્યે ધર્મ સભા તથા મહેમાનો દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા.ગઈકાલે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં વારાણસી નગરી ઉભી કરવામાં આવી હતી ત્યાં બપોરે રાજકોટના તમામ મૂર્તિપૂજક જૈન સંઘના શ્રાવક શ્રાવીકાઓ માટે સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. નુતન જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટનમાં વિનોદ ચંદ્ર રસિકલાલ શેઠ અને સુશીલાબેન વિનોદ ચંદ્ર શેઠ પરિવારે લાભ લીધો હતો જ્યારે સમસ્ત ધર્મ સભાના પ્રમુખ તરીકે સમાજ રત્ન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હું અહીં હાજર રહ્યો તેથી ખૂબ આનંદની લાગણી અને ધન્યતા અનુભવું છું : વિજયભાઈ રૂપાણી
અબતક સાથેની વાતચીતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવે છે કે,આજે ખૂબ આનંદનો દિવસ હતો,રાજકોટમાં મણિયાર દેરાસરના પટાંગણમાં નવા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,જ્યાંથી મહારાજ સાહેબની અમૃતવાણીનો લાભ લોકો લેતા હોય છે ત્યાં પાંચ મૂર્તિઓનું અનાવરણ થયું હતું.રાજકોટમાં અધ્યતન સુવિધાઓ સાથેનું આ ઉપાશ્રય છે તથા પૂજ્ય ભગવંતોને રહેવા માટેની જે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તે 13 કરોડના ખર્ચે કરવામાં આવી છે.આ પ્રસંગે હું અહીં હાજર રહ્યો તેથી ખૂબ આનંદની લાગણી અમે ધન્યતા અનુભવું છું.
ધાર્મિક આયોજનો,પ્રાર્થના સભાઓ વગેરમાં આ ધર્મસ્થાન ખૂબ ઉપયોગી થશે : મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મહારાજ
અબતક સાથેની વાતચીતમાં મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મહારાજ જણાવે છે કે, રાજકોટ જૈન તપગછ સંઘ સંચાલિત ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના આંગણે ખૂબ સુંદર ધર્મ આરાધનાનું સ્થાન નિર્મિત થયું છે અને ત્યાં ઉદ્ઘાટન પ્રસંગે તમામ પુણ્યશાળી ભાઈઓ બહેનો ખૂબ ઉમંગ અને ઉલ્લાસપૂર્વક અહીં ભેગા થયા છે.હું એટલી જ સુચના આપવા માંગુ છું રાજકોટ સમગ્ર જૈન સમાજ દ્વારા આ નિર્મિત કરવામાં આવેલ ઉપાશ્રયથી સમસ્ત જૈન સમાજમાં ધર્મના બીજ રોપી શકાય એવા હેતુથી આ ધર્મસ્થાન બનાવવામાં આવ્યું છે.સમસ્ત રાજકોટની પ્રજાને આશીર્વાદ સાથે શુભકામના પાઠવું છું આ સ્થાન પર વિશેષ રૂપે ધાર્મિક આયોજનો પ્રાર્થના સભાઓ વગેરે થશે જેમાં આ ધર્મસ્થાન ખૂબ ઉપયોગી થશે.
ધર્મસ્થાનના નિર્માણનો લાભ અમારા પરિવારને મળ્યો છે જેના માટે અમે સંઘના હંમેશાથી રુણી રહીશું : શ્રદ્ધા શેઠ
અબતક સાથેની વાતચીતમાં શ્રદ્ધા શેઠ જણાવે છે કે,અમે આ ઉપાશ્રયના નિર્માણમાં મુખ્ય દાતા છીએ.અમારા ઘરમાંથી જ અમારા એક દીકરાએ દીક્ષા લીધી છે જેને અમને આ માટે પ્રેરિત કર્યા છે. આ ઉપાશ્રયમાં જે કોઈ સાધુ સાધવીઓ આવશે. અહીં આયંબીલો થશે વગેરે માટેના ધર્મસ્થાનના નિર્માણનો લાભ અમારા પરિવારને મળ્યો છે જેના માટે અમે સંઘના હંમેશાથી રુણી રહીશું.