ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રોવે !!

માલીયાસણમાં ગૌચરની જમીન અપાવવા અને ડિફેન્સ વિભાગમાં કોપર વાયર અપાવવાની લોભામણી લાલચ દઇ આઇએએસ અધિકારીના સ્વાંગમાં વડોદરાના શખ્સે છેતરપિંડી કરી

મહેસૂલ સંપાદન અધિક કલેક્ટર, રાજકોટ કલેક્ટર અને ડીઆરઆઇ અધિકારીના ખોટા સહિ-સિક્કા વાળા ઓર્ડર અને હુકમ બનાવી કૌભાંડ આચર્યું

ઉદ્યોગપતિને ચીટીંગના કેસમાં સમાધાન કરાવવાની અને ઇન્કમટેક્સની રેડ કરાવવા ડર બતાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ

પીએમઓ કાર્યાલયના ઉચ્ચ અધિકારીના સ્વાંગમાં કાશ્મીર સહિતના રાજ્યમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી અનેક સાથે છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલ જેમ વડોદરાના શખ્સે આઇએએસ હોવાના બણગા ફૂંકી કેન્દ્રીય ઇન્ટેલીજન્સ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટરના સ્વાંગમાં રાજકોટના બે ઉદ્યોગપતિ સાથે સવા કરોડની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિને માલીયાસણ ખાતે ગૌચરની જમીન અપાવવાની અને ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો મોટો ઓર્ડર અપાવવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કર્યાના આક્ષેપની સાથેસાથે વડોદરાના ઠગે મહેસૂલ સંપાદન અધિક કલેક્ટર, રાજકોટ કલેક્ટર અને ડીઆરઆઇ અધિકારીના ખોટા સહિ-સિક્કા વાળા ઓર્ડર અને હુકમ બનાવી કૌભાંડ આચર્યાનો ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ સામેના ચિટીંગના કેસમાં સમાધાન કરાવવાની લાલચ આપી હતી અને તેની ફેક્ટરી પર ઇન્કમટેક્સની રેડ કરાવવાનો ડર બતાવ્યો હોવાના આક્ષેપો કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ પાસે રહેતા અને ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે વિજયરાજ આયોન પ્લેટીંગ પ્રાઇવેટ લીમીટેડ તથા શાપર-વેરાવળ ખાતે સુપર સ્ટાર વાયર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ધરાવતા અલ્પેશભાઇ બાવનજીભાઇ નારીયાએ વડોદરાના માંઝલપુર ખાતેની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા હિતેશ પ્રવિણચંદ્ર ઠાકર સામે રૂ.1,22,92,618 છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

ઉદ્યોગપતિ અલ્પેશભાઇ નારીયાના મોટાભાઇ વિજયભાઇ નારીયા 2019માં અમદાવાદ ખાતે મેડીકલ સેવા અર્થે ગયા હતા ત્યારે વડોદરાના હિતેશ ઠાકરનો પરિચય થયો હતો. હિતેશ ઠાકરે પોતે સેન્ટ્રલ આઇબીમાં ડેપ્યૂટી ડાયરેક્ટર હોવાની ઓળખ આપી હતી. કેન્દ્રમાં કે રાજ્યમાં કંઇપણ કામ હોય તો પોતે આર્થિક ફાયદો મેળવી કરાવી આપશે તેમ જણાવ્યું હતું.

આથી વિજયભાઇ નારીયાએ માલીયાસણ ખાતેની બે થી ત્રણ એકર જેટલી ગૌચરની જમીન અપાવવાનું કામ સોંપ્યું હતું તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો મોટો ઓર્ડર અપાવવાની લોભામણી લાલચ આપી હતી. વાંકચાતુર્ય ધરાવતા હિતેશ ઠાકર આઇએએસ હોવાનું સમજીને વિજયભાઇએ બંને કામ માટે કટકે-કટકે રૂ.67,92,618 બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા તેમજ રૂ.55 લાખ રોકડા મળી કુલ રૂ.1.23 કરોડ આપ્યા હતા. લાંબો સમય થવા છતા હિતેશ ઠાકરે માલીયાસણ ખાતેની ગૌચરની જમીન અપાવી ન હતી તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો ઓર્ડર પણ અપાવ્યો ન હતો.

આથી હિતેશ ઠાકરનો વિજયભાઇ નારીયા અને અલ્પેશભાઇ નારીયા અવાર-નવાર કોન્ટેક્ટ કરી ઓર્ડર અપાવવા અને જમીન અપાવવા જણાવતા હોવાથી હિતેશ ઠાકરે જમીન સંપાદન અધિક કલેક્ટર, રાજકોટ કલેક્ટર અને ડીઆરઆઇ અધિકારીના બોગસ સહિ-સિક્કા સાથેના નકલી ઓર્ડર અને હુકમની પ્રિન્ટ આપી હતી.

હિતેશ ઠાકર આઇએએસ અધિકારી ન હોવાનું અને તે મહાઠગ કિરણ પટેલની જેમ ખોટા હોદ્ા ધારણ કરી બનાવટી ઓર્ડર અને હુકમ ધાબડી દીધાનું વિજયભાઇને જણાતા તેઓએ આ અંગે તપાસ કરી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા હિતેશ ઠાકરે ઉદ્યોગપતિ વિજય નારીયાને છેતરપિંડીના કેસમાં સમાધાન કરાવી આપવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ડ્રગ્સના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની અને ઇન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.બી.બસીયા, પીઆઇ વાય.બી. જાડેજા અને પીએસઆઇ કે.ડી.પટેલ સહિતના સ્ટાફે અલ્પેશભાઇ બાવનજીભાઇ નારીયાની ફરિયાદ પરથી વડોદરાના હિતેશ ઠાકર સામે ખોટો હોદ્ો ધારણ કરી બનાવટી ઓર્ડર અને હુકમ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી રૂ.1.23 કરોડનું કૌભાંડ આચર્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.