રૂ.85 કરોડના ખર્ચે 10 એકરમાં સ્થાપિત આ કેન્દ્ર મુલાકાતીઓને વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરાવશે: વિવિધ થીમ સાથેની છ અદભૂત ગેલેરીઓમાં જોવા મળશે વિજ્ઞાનની પ્રગતિ
અબતક રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારે રાજકોટ પધારી રહ્યાં છે. તેઓ કરોડોના વિકાસકાર્યોની સાથે રાજકોટમાં ઈશ્વરીયા પાર્ક નજીક અંદાજે રૂા. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને પણ ખુલ્લું મુકશે. આ એક એવું વિજ્ઞાન કેન્દ્ર છે, જેમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેકનોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે. આ વિજ્ઞાન કેન્દ્રની છ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે તેવી અદભૂત છે.
આ ગેલેરીઓ ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં મુખ્યત્વે 10 એકર જગ્યામાં ફેલાયેલું છે, જેમાંથી 9 એકર જગ્યામાં વિશાળ અને ભવ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેનો દેખાવ પીરામિડની સન્મુખાકૃતી જેવો છે. જેમાં 18 આર્કની ડિઝાઈન છે. સાયન્સ સેન્ટરના કેન્દ્રમાંથી તમામ બાજુનું અંતર એકસમાન છે. સમગ્ર સાયન્સ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં વહેંચાયેલું છે. જેમાં છ ગેલેરીઓ છે અને ફર્સ્ટ ક્લોર પર ત્રણ વર્કશોપ છે. વિવિધ ગેલેરીઓને અનુલક્ષીને બાજુમાં વિવિધ કોર્ટયાર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રદર્શિત કરવામાં આવેલા અવનવા મોડલ્સ આવનાર મુલાકાતીઓને વિજ્ઞાનના એક નવા વિશ્વમાં કદમ મુક્યાનો અહેસાસ કરવશે. આ ઉપરાંત, રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી સેન્ટરની મુલાકાતે આવનાર લોકોને ક્લીન એન્ડ એફિસિયન્ટ એનર્જી સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને તેનો વપરાશ કરવા માટે પ્રેરણા મળશે.
રીજીયોનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તથા વિજ્ઞાન પ્રત્યે લોક જાગૃત્તિ ફેલાવવાનો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમ થકી સમાજમાં આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવાનો છે. રીજીયોનલ સાયન્સ સેન્ટરની આસ-પાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને જનતામાં વિજ્ઞાન અંગે જાગૃતિ તથા વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનીકો બનવા માટે પ્રેરિત કરવા વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે.
હાઉ-ટુ-સ્ટ્ફ વર્ક ગેલેરીમાં પ્રકાશ, ઉર્જા, અવાજ અને ગુરૂત્વાકર્ષણના વિશિષ્ઠ સંયોજનથી તૈયાર કરવામાં આવેલી હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી બાળકોથી લઈને વૃધ્ધોને પોતાનું બાળપણ યાદ અપાવી દે તેવી અનેક ટેકનોલોજી અને ખુબીઓથી ભરેલું છે. વિવિધ ડેસીબલના અવાજો માનવીના મન-મગજ પર કેવી અસર કરે છે તેનું એક ઈન્ટ્રેક્ટીવ મોડેલ મુકવામાં આવ્યું છે. સરગમના સાત સુર કેવી અસર સર્જે તે જાણવા માટે વિવિધ સાધનો મુકવામાં આવ્યા છે. 20 અલગ અલગ પ્રકારના તાળાઓ કેવી રીતે કામ કરે છે તેની ટુંકી જાણકારી આપતી ફિલ્મ પણ પ્રસારીત કરવામાં આવે છે.
મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરીમાં વિવિધ પ્રકારના ગિયર અને તેનું મિકેનિઝમ સમજાવતા પ્રેક્ટીકલ મોડેલ, પ્લાઝમા કટીંગ મશીન,મલ્ટી સ્પિન્ડલ મશીન,ઓટોમોબાઈલ વિભાગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર એન્જીનના સેકશન કટ મશીન, 3-ડી પ્રિન્ટર, સૌથી અત્યાધુનિક મશીનો પણ અહીં જોવા મળે છે. તેમજ મેક ઈન ઈન્ડીયા અંતર્ગત રાજકોટના એન્જીનિયરીંગ ઉદ્યોગોમાં કરેલા પ્રદાન અંગેનું પ્રદર્શન પણ જોવા મળે છે. આ ગેલેરીના માધ્યમથી જાણી શકાય છે કે, મશીનની શોધખોળના કારણે માનવીનું જીવન કેટલું સરળ બન્યું છે.નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરીમાં જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલું છે, તેવાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ગેલેરી છે. અહીંની નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં વિજ્ઞાનના વીવિધ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. રોબોટીક્સ ગેલેરી અબાલ-વૃધ્ધ બધા માટે આકર્ષણ બની રહેશે. આ ગેલેરીમાં અનેક જાતના રોબોટ્સ જોવા મળશે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ, ડિફેન્સ રોબોટ્સ, સ્વિમિંગપુલ અને પાણીના વિશાળ ટાંકા સાફ કરી શકે તેવા મરીન રોબોટ્સ, ફિલ્મો અને કોમિક્સમાં દર્શાવાયેલા રોબોટ્સ જોવા મળશે. તેમજ રોજ-બરોજમાં ઉપયોગમાં લઈ શકાય તેવા રોબોટ્સ જોઈ શકાશે. આ ઉપરાંત, બાળકો માટે અનેક પ્રકારના ઈન્ટરેક્ટીવ ટોય્ઝથી પણ રમી શકશે.
સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરીમાં માટીકામ થી લઈને સિરામિક ઉદ્યોગોનો ઉદ્દભવ અને વીકાસના વિવધ મોડેલો તથા કાચ કામની શરૂઆત તથા તેનો વિકાસના વિવિધ તબક્કાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ સિરામિક એન્ડ ગ્લાસના અનેક અવનવા મોડલ્સ જોવા મડશે.લાઈફ સાયન્સ ગેલેરીમાં અમીબા થી લઈને કોરોના સુધીના જીવ વિજ્ઞાન વિજ્ઞાન વિષેની માહિતી આપવામાં આવી છે. તેમજ કુદરતી ઈકોસિસ્ટમ, માર્સ મિશન તથા હેબીટેબલ ઝોન અને સુપર અર્થ વિશે વિગતો આપવામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ઈન્ટરેક્ટીવ પ્રદર્શનો, સ્કેલ મોડેલ્સ અને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા જીવ વિજ્ઞાનના ખ્યાલો પહોંચશે યુવાનો સુધી પહોંચશે. સાથે જ આ સાયન્સ સેન્ટરમાં સ્કૂલના મુલાકાતીઓ માટે વિજ્ઞાન થીમ આધારિત ગેમ્સ, વર્ચૂઅલ રિયાલીટી, ઓડિયો- વિડિયો ઉપકરણો અને ઇન્ટરએક્ટિવ પેનલ મૂકવામાં આવી છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણોમા વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપ્સ નું આયોજન કરવા માટેની ઉત્તમોતમ સુવિધા જેવી કે, 3ડી થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ છે.આમ, રાજકોટનું આ કેન્દ્ર વિજ્ઞાન પ્રેમીઓની કૂતુહલતાને પ્રેરિત કરતું અનુપમ વિજ્ઞાન કેન્દ્ર બની રહેશે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવાં નજીકના જિલ્લાઓના વિજ્ઞાન પ્રેમીઓની જ્ઞાન પીપાસા સંતોષવાનું આ મહત્વનું કેન્દ્ર બની રહેવાનું છે.