- બે જળાશયો વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ઉભા કરીને વધારાની પવન તથા સૌર ઉર્જાથી જળાશયો ભરવામાં આવશે
ગુજરાત સરકાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હવે એક નવું કદમ ભરવા જઇ રહી છે. બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે વિન્ડ, સોલાર પાવર પ્લાન્ટ્સ થકી વીજળી મેળવી રહ્યું છે એમાં હવે આગામી સમયમાં હયાત જળાશયો, ખાસ કરીને બે જળાશયોની વચ્ચે પમ્પ હાઇડ્રો સ્ટોરેજ થકી વીજળી પેદા કરવાની દિશામાં આગળ વધવા વિચારી રહ્યું છે. આ માટે થોડા સમયમાં જ એક નવી પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પોલિસી પણ બનાવવા તૈયારી શરૂ કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારે 1000 મેગાવોટ પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ માટે પ્રાથમિક તૈયારી આપી દીધી છે.બે અલગ અલગ ઊંચાઇએ આવેલા જળાશયોમાં પાણીનો સંગ્રહ કરી તેનો વીજળીની માગ વખતે હાઇડ્રો પાવર જનરેશન માટે કરવામાં આવે તેને પમ્પ સ્ટોરેજ હાઇડ્રોપાવર કહેવામાં આવે છે, તેમ કહી આ ક્ષેત્રે સાથે સંકળાયેલા કેન્દ્રીય બિન પરંપરાગત ઊર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે તમારી પાસે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાંથી ઓફ પિક અવર્સમાં વધારાની વીજળી ઉપલબ્ધ હોય ત્યારે પ્રમાણમાં નીચે આવેલા જળાશયમાંથી પાણીને પમ્પ કરીને ઊંચાઇએ આવેલા જળાશયમાં ઠાલવવામાં આવે. જ્યારે વીજળીની માગ વધે ત્યારે ઊંચાઇએ આવેલા જળાશયમાંથી પાણીનો જથ્થો વહેવડાવીને હાઇડ્રો ઇલેક્ટ્રીસિટી પેદા કરી માગને પહોંચી વળી શકાય.દેશમાં લગભગ 12,000 મેગાવોટના વિવિધ પ્રોજેક્ટ્સને ડિસેમ્બર, 2023માં કેન્દ્રીય વન, પર્યાવરણ-ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે મંજૂરી આપી હતી. આ સંદર્ભે રાજ્યના ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કરતાં તેમણે અનામી રહેવાની શરતે કબૂલ્યું કે, રાજ્યમાં આવા અંદાજે પંદરથી વીસ સ્થાનો છે જ્યાં વીસેક હજાર મેગાવોટ વીજળી પેદા કરી શકાય એમ છે. અમે તેનો પ્રાથમિક અભ્યાસ પણ કર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમે પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે 16 અલગ અલગ સ્થળો નિયત કર્યા છે, તેમ કહી આ અધિકારીએ ઉમેર્યું હતું કે, આ સ્થળો સ્પર્ધાત્મક બીડથી ઉદ્યોગ સાહસિકોને અપાશે. અંદાજે 14000 મેગાવોટની ક્ષમતા આ સ્થળો ધરાવે છે.
હાઈડ્રો પાવર શું છે?
વીજળી મેળવવા માટે હાઈડ્રો પાવર એક મોટો સ્ત્રોત છે. હાઈડ્રો એટલે પાણી, પાણીના પ્રવાહની શક્તિ, વરસાદનું પાણી ઢોળાવવાળા વિસ્તારમાં પડે ત્યાંથી વહીને સમુદ્ર તરફ જાય છે.નદીઓ સતત વહે છે. પાણીના વહેણ અને ધારમાં શક્તિ હોય છે. પાણીના વહેણમાં ઘણી ભારે વસ્તુઓ પણ તણાઈ જતી હોય છે. પાણીની આ શક્તિનો ઉપયોગ કરી શકાય છે.લાકડાના પાંખિયાવાળો પંખો પાણીનાં વહેણમાં કે ધાર નીચે ધરવાથી તે ફરવા લાગે છે. આ ગતિ શક્તિનો ઉપયોગ જનરેટર ફેરવવામાં કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તેને હાઈડ્રો પાવર કહે છે.