રાજકોટ જિલ્લાને વધુ એક ઔદ્યોગિક વસાહત માટે રાજ્ય સરકારે આપી લીલીઝંડી
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લાને વધુ એક ઔદ્યોગિક વસાહત માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે. જેથી હવે લોધિકાના પીપરડીમાં અંદાજે 2.56 લાખ ચોરસ મીટર જગ્યામાં જીઆઇડીસીનું નિર્માણ થવાનું છે. આ જગ્યાની કિંમત રૂ. 26 કરોડ નક્કી કરે છે. હવે ટૂંક સમયમાં જીઆઇડીસીનું આયોજન જાહેર થનાર છે.
2.56 લાખ ચો.મી. જગ્યા જીઆઇડીસી વિભાગને સોંપાશે, જગ્યાની કિંમત રૂ. 26 કરોડ નક્કી કરાઈ : ટૂંક સમયમાં જીઆઇડીસીનું આયોજન જાહેર થશે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પીપરડી ગામ પાસે ઔદ્યોગિક વસાહતના નિર્માણ માટે જીઆઇડીસી વિભાગ દ્વારા જિલ્લા કલેકટર તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ મામલે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને રાજ્ય સરકારે માન્ય રાખીને ઔદ્યોગિક વસાહત માટે મંજૂરી આપી છે.
ગત 18 જાન્યુઆરી 2020ના રોજ નવનિર્મિત ખીરસરા જી.આઇ.ડી.સી.નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત તે સમયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયું હતું. આવેળાએ સ્થળ પર પ્લોટ ફાળવવી માટે મુખ્યમંત્રીના હસ્તે ડ્રો પણ યોજાનાર હતો. તે સમયે જ પીપરડી ખાતે વધુ એક જીઆઇડીસી બનાવવા ભાજપ આગેવાનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી.
તે સમયે ભાજપા આગેવાનોએ નિર્દષ કરેલ કે હાલ મેટોડા જી.આઇ.ડી.સી કાર્યરત છે. ખીરસરામાં જી.આઇ.ડી.સીનું કામ ચાલુ છે. લોધિકાથી 8 કિ.મી અને ચાંદલાથી માત્ર 3 કિ.મી દુર આવેલ પીપરડી ગામ પાસે વધુ એક જી.આઇ.ડી.સી બનાવવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા ત્યારથી જ સર્વે સહિતની કામગીરી કરવામાં આવી હતી.
અંતે ભાજપ અગ્રણીઓની જહેમત સફળ રહી છે. પીપરડી ખાતે નવી જીઆઇડીસીને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ જીઆઇડીસી પીપરડી ગામના સર્વે નંબર 288 અને સર્વે નંબર 285માં બનાવવામાં આવનાર છે. જેમાં સર્વે નંબર 288માં આવેલ ખરાબાની 1,31,786 ચોરસ મીટર અને સર્વે નંબર 285માં આવેલ ખરાબાની 1,24,738 ચોરસ મીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને જગ્યા અડીને આવેલા છે. કુલ 2,56,524 ચોરસ મીટર જગ્યામાં આ જીઆઇડીસી આકાર લેવાની છે.
આ ઔદ્યોગિક વસાહત માટે જીઆઇડીસી વિભાગે અગાઉથી જ સરકારમાં રૂ. 8 કરોડ જેટલી રકમ જમા કરાવી દીધી છે. સરકારે આ કુલ જમીન જીઆઇડીસીને રૂ. 26.26 કરોડના ભાવે આપી છે. હવે બાકી રહેલી અંદાજે 18 કરોડ જેટલી રકમ જીઆઇડીસી વિભાગ સરકારમાં જમા કરાવશે.
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ જમીનનો કબજો જીઆઇડીસીને સોંપી દેવામાં આવ્યો છે. હવે જીઆઇડીસી દ્વારા આ જમીનમાં શુ શુ આયોજન કરવામાં આવશે તે અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવશે.
વિંછીયા તાલુકામાં પણ જીઆઇડીસીના નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત
જીઆઇડીસી વિભાગ વીંછીયા તાલુકામાં પણ ઔદ્યોગિક વસાહતના નિર્માણ માટે છેલ્લે ઘણા સમયથી પ્રયત્નશીલ છે. આ માટે જીઆઇડીસી વિભાગ દ્વારા કલેકટર તંત્ર સમક્ષ જમીન માટે માંગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને કલેક્ટર તંત્ર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. વીંછીયા તાલુકામાં અંદાજે 50 હેકટર જેટલી જગ્યા જીઆઇડીસી વિભાગને આપવામાં આવનાર છે. આ માટે હવે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વીંછીયા તાલુકામાં પણ જીઆઇડીસી બનશે એટલે આ વિસ્તારના વિકાસને વેગ મળશે. મોટા પ્રમાણમાં રોજગારીનું પણ સર્જન થશે.