રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાના પ્રોજેક્ટની પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે પોતાના કાર્યકાળ દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયતની સ્વભંડોળ માટેની સ્ટેમ્પ ડ્યુટીની આવક સતત ઘટતી જતી હોય રાજકોટ જીલ્લા પંચાયત માટે આવકનું નવા સ્ત્રોત ઊભા કરવાના રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના હાઇવે પરની જગ્યાઓમાં હોર્લ્ડીંગ્સો ઊભા કરી ભાડાની આવક વધારવા અને આવકના નવા સ્ત્રોત ઉભા કરવા સતત પ્રયત્નો કરેલ અને આવાજ અભિગમથી તેમજ જીલ્લા પંચાયતને આત્મર્નિંભર બનાવવાના ઉમદા હેતુથી નવા પંચાયત ભવનના બિલ્ડિંગની દરખાસ્ત સરકાર સમક્ષ મોકલાવેલ.
આધુનિક સુવિધા સાથે નવું બિલ્ડીંગ બનાવાશે
હાલનું જિલ્લા પંચાયત ભવનનું બિલ્ડીંગ 19000 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલુ અને રાજકોટ શહેરના હાર્દમાં યાજ્ઞિક રોડ ઉપર અને રેસકોર્સ ચોકમાં વિશાળ શોરૂમો ધરાવતા અતીશય કીંમતી વિસ્તારમાં આવેલું હોય ત્યારે આ નવા પંચાયત ભવનના બિલ્ડીંગનું નિર્માણ થવાથી આગળના ભાગની રોડ પરની જગ્યા ખુલી થવાથી અતિ કિંમતી અને મોકાની આ જગ્યા પર કોમર્શિયલ બાંધકામો દ્વારા ભાડાની તથા જાહેર ખબરના હોર્ડીંગ્સો દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા કરી કાયમી ધોરણે જીલ્લા પંચાયત સ્વભંડોળની આવક વધારવામાં સરકારમાં કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આ માટે 36.50 કરોડ મંજૂર કર્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતનો આ મહત્વનો પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર અને વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, કેબિનેટ અને રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજકોટ જીલ્લાના સાંસદો,ધારાસભ્યો તેમજ જીલ્લા ભાજપના હોદ્દેદારો સહીત સમગ્ર નેતાગીરીનો આભાર માની જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સરકારની આ દિવાળી પહેલાની સૌથી મોટી ભેટ છે.
13000 ચોરસ મીટર જગ્યામાં નવા બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે અને તેમાં મેઈન બિલ્ડિંગ ઉપરાંત પીવાના પાણી, ગટર, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ફર્નિચર, ફાયર સેફ્ટીના સાધનો, ઇન્ટર્નલ રોડ, કમ્પાઉન્ડ વોલ પાર્કિંગ શેડ, ઇલેક્ટ્રીકેશન, આધુનિક કક્ષાની લિફ્ટ જેવા કામો થઈ શકશે. રાજકોટ જિલ્લા પંચાયતના દાયકાઓ જુના બિલ્ડીંગના સ્થાને નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાના કામ માટે પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર ઘણા સમયથી જહેમત ઉઠાવી રહ્યા હતા. પંચાયત વિભાગે તારીખ 20 જુલાઈના રોજ આ સંદર્ભે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો હતો અને રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની ડિટેઈલ દરખાસ્ત મોકલી હતી. સરકારે આ દરખાસ્ત મંજૂર કરી છે.
પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સોઇલ ટેસ્ટિંગ કરાવવામાં આવશે અને તેનો રિપોર્ટ આવી ગયા બાદ માર્ગ મકાન વિભાગ પાસે ડિઝાઇન બનાવી તાંત્રિક મંજૂરી મેળવીને એજન્સી નક્કી કરવામાં આવશે. સરકારે જે મંજૂરીનો પત્ર આપ્યો છે. તેમાં આ કામ ત્રણ વર્ષની સમય મર્યાદામાં પૂરું કરવા માટે જણાવ્યું છે. નવું બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ બની રહે તે અભિગમ મુજબ બાંધકામ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. સરકારે 36.50 કરોડ મંજૂર કર્યા છે. તેનો 25% મુજબનો પ્રથમ હપ્તો આગામી દિવસોમાં વિકાસ કમિશનર દ્વારા રિલીઝ કરવામાં આવશે.
રાજકોટ શહેરની સોનાની લગડી જેવી જગ્યામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ આવેલું છે. આ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા હવે તે પણ સરકારની અન્ય કચેરીઓની માફક આધુનિક સાધન સુવિધા સભર બની જશે. સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાની જાણ થતા જ જિલ્લા પંચાયતના સભ્યોમાં અને હોદ્દેદારોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરના ડ્રીમ પ્રોજેક્ટને સરકારની લીલીઝંડી
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે આ અંગે એક નિવેદનમાં સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે નવા સુવિધાસભર આધુનિક બિલ્ડીંગ મંજુર કરવાથી કર્મચારીઓને કાર્યદક્ષતામાં વધારો થશે અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી સુવિધા આધુનિક ટેકનોલોજી સાથે આપી શકાશે. તેમજ નવા ભવનમાં ઓડીટોરીયમ, ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધાર કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાઓના માહીતી કેન્દ્રો સહીતની સુવિધાથી યુક્ત કરવામા આવશે. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ પિયુષ રાજવંશીએ આ સંદર્ભે જિલ્લા પંચાયતને એક પરિપત્ર પાઠવીને આ પ્રોજેક્ટ મંજૂર થયો છે અને તે માટે 36.50 કરોડના કામને વહીવટી બહાલી આપવામાં આવી હોવાની જાણ કરી છે.