સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા યોજાઇ વિવિધ સ્પર્ધાઓ
સર્જન અને ચિંતન થકી વ્યક્તિ વિકાસની દિશા તરફ પ્રયાણ કરે છે. કોરોના મહામારીને પગલે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં પણ રાજકોટ જિલ્લાના બાળકોથી લઈને સગર્ભા બહેનોની સર્જન શક્તિ કાર્યરત રહે તે માટે સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે.
લોકડાઉનને કારણે આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે આ કચેરી દ્વારા વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતા આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવે જણાવે છે કે, ‘આ લોકડાઉન દરમિયાન અમારો એક જ હેતુ હતો કે બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલી ઉઠે અને તેમનામાં રહેલી સર્જનાત્મકતાને નવો આયામ મળે માટે અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. અને એ માટે તેઓએ ઘેર બેઠા જ તેમાં જોડાવાનું હતું. જેમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે ભરતગુંણ સ્પર્ધા, કિશોરીઓ માટે રંગોળી સ્પર્ધા અને બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું.’