મંદિરને ફેન્સીંગ દિવાલ અને રંગરોગાન કરતા શ્રધ્ધાળુઓમાં હર્ષની લાગણી
શહેરના કોલેજચોક ભગવત ગાર્ડનમાં આવેલ અતિ પ્રાચીન એવાં શિતળામાતાનાં મંદિરને ફેન્સીંગ દિવાલ અને રંગરોગાન સાથે રિનોવેટ કરાતાં શ્રધ્ધાળુ વર્ગમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
સો વરસથી પણ વધું પુરાતન અને દ્રાવિડીયન શૈલીમાં સ્થાપત્યનાં બેનમુન નમુના સમાં પ્રજા વત્સલ્ય રાજવી મહારાજા ભગવતસિંહજીની યાદગીરી શમાં શહેરનાં એક માત્ર શિતળામાતાનાં મંદિરની હાલત વરસોથી બદતર હતી. ગંદકી, કીચડ વચ્ચે અહીં ગંજેરી અને ચરસી તત્વોનાં ધામા હોય લોકો દર્શન કરવાં જતાં પરેશાની અનુભવતાં હતાં.
ખાસ કરીને શિતળા સાતમે મહીલાઓ પુજન વેળા પરેશાની ભોગવતી હતી. આવાં સંજોગોમાં શિવમ ગૃપનાં દિનેશભાઇ માધડે શ્રધાનાં પ્રતિક સમાં મંદિરની કાયાપલટ કરવાં બીડું જડપી નગરપાલિકામાં રજુઆત કરતાં પ્રમુખ અશોકભાઈ પીપળીયાએ શ્રાવણ માસ અને શિતળા સાતમ નજદિક હોય યુધ્ધનાં ધોરણે દિનેશભાઇ માધડ તથાં ગૌસેવક ગોરધનભાઈ પરડવાને સહયોગમાં રાખી રીનોવેશન હાથ ધર્યુ હતું. મંદીર ફરતી દિવાલ, માર્બલ, રંગરોગાન, બેઠક વ્યવસ્થા સહીતની સુવિધાઓ સાથે ભગવત ગાર્ડનમાં પ્રવેશ દ્વાર સાથે પ્રાચીન કલાત્મક મંદિર શોભી ઉઠતાં આજે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, પૃથ્વીસિંહ જાડેજા, દિનેશભાઇ માધડ, ગોરધનભાઈ પરડવા સહીતની હાજરી વચ્ચે પુજન અર્ચન, શ્રીફળ વધેરી શુભારંભ કરાયો હતો. શ્રાવણ માસમાં મહીલાઓ માટે મહીમાં ધરાવતી શિતળાસાતમે આ મંદિરે મહીલાઓની ભારે ભીડ જામતી હોય હવે સુવિધા સાથેનું મંદિર આશિર્વાદ રુપ બનશે.