ખેડુતે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નિયત તારીખે, સમયે યાર્ડમાં નમુના લઈ જવાનું રહેશે

સમગ્ર દેશમાં લોકડાઉનની મુદત ૩ મે સુધી વધારવામાં આવી છે ત્યારે ખેડુતોની ઉપજ ખેતર કે ઘરે તૈયાર છે ત્યારે તેના વેચાણ માટે સરકારે ખાસ વ્યવસ્થા જાહેર કરી છે. સરકારે જાહેર કરેલ આ નવી વ્યવસ્થા મુજબ ખેડુતે જે-તે યાર્ડ વિસ્તારમાં પોતાની નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવ્યા બાદ ખેડુતે જે-તે તારીખે અને સમયે પોતાના નમુના સાથે જે-તે યાર્ડમાં આવવાનું રહેશે.

પોતાના ખેત ઉપજનાં નમુના સાથે ખેડુતે યાર્ડનાં વેપારી પાસે નમુના બતાવવાના રહેશે. નમુના જોયા બાદ ખેડુત વેપાર માલનો ભાવતાલ નકકી કરશે. ભાવ નકકી થયા બાદ વેપારી ખેડુતના ખેતરેથી જ માલ ખરીદી સીધો પોતાના ગોડાઉનમાં મોકલશે અને ત્યાંથી ગ્રાહકોને વેચશે. ખેત ઉપજ વેચાણની આ પ્રક્રિયા દરમિયાન ખેડુત, વેપારી, યાર્ડ કર્મચારી, પોલીસ વગેરે તમામે લોકડાઉન અને સામાજીક અંતરના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. નિયમોનું પાલન નહીં કરાય તો પગલા લેવાશે. આ ઉપરાંત યાર્ડમાં શાકભાજી અને અનાજ વિતરણ માટે પણ અલગ-અલગ સમય રાખવાનું નકકી કરાયું છે તેમ મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું.

અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું કે, ગઈકાલે એક દિવસમાં ૮.૪૧ લાખ રાહત કિટનું વિતરણ કરાયું હતું. આ સાથે અત્યાર સુધી રાજયમાં ૧.૨૦ કરોડ રાહત કિટનું વિતરણ કરાયું છે. મુખ્યમંત્રી કાર્યાલયનાં સચિવ અશ્ર્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે, જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે. આ સમિતિને સંપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા છે. જિલ્લાકક્ષાની સમિતિ શહેર કે ગામડામાં કોરોના ન ફેલાય તેનું માઈક્રો મેનેજમેન્ટ પઘ્ધતિથી તાલુકા જિલ્લા કક્ષાએ આકલન કરશે. ગરીબ વર્ગ માટે અન્નબ્રહ્મ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ તેમજ નિરાધાર, નિ:સ્હાય અને એકલવાયુ જીવન જીવતા શ્રમિકો અને કામદારોને ફૂડપેકેટની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ૮ મહાનગરોમાં વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધોને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન આપવાની સુવિધા પણ રાજ્ય સરકાર દ્વારા ગોઠવાઇ છે. વડોદરાથી અમારા પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ શહેરનાં નાગરવાડા વિસ્તારમાં વધુ એક યુવાન કોરોના પોઝીટીવ જણાયો છે. ૩૫ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ જણાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સાથે શહેરમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૧૧૪ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.