ઉગામેડી ગામના પટેલ પરિવારે ૨૫ ગામમાં રોપાનું વિતરણ કરવાનો કર્યો સંકલ્પ: અનુકરણીય કાર્ય
અત્યારે પર્યાવરણનું ખૂબ જ મહત્વ છે કેમ કે પ્રદૂષણ એટલુ બધુ વધી ગયું છે કે શુઘ્ધ હવા-પાણી શોધવા જવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. તેવામાં લગ્ન પ્રસંગે ઉગામેડી ગામના રમેશભાઈ પી.પટેલે પર્યાવરણ કાર્ય માટે નૂતન અભિગમ અપનાવ્યો છે.વાત એમ છે કે તા.૫ના રોજ તેના પુત્ર જયના લગ્ન છે તો પરિવારે નવીન અભિગમ સાથે સમુહલગ્ન કરવા આયોજન કર્યું બીજો સંકલ્પ પર્યાવરણ માટે કંઈક કરવાનો વિચાર કર્યો. જેમાં આવતા ચોમાસામાં ૨૫ ગામમાં એક ગામ દીઠ ૨૦૦ નંગ ફળાઉ રોપા જેવા કે જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ વગેરેનું વિતરણ કરવાનું નકકી કરેલ છે. આ ઉપરાંત ૫૦૦૦ નંગ કલમીરોપા જેવા કે કલમી આંબા, કાલીપતી ચીકુ, લોટણ, નાળીયેરી પાંચ ગામમાં ૩૦% ના ભાવે વિતરણ કરવાનું નકકી કરેલ છે. આ ઉપરાંત પાંચ પ્રકૃતિ અનુભૂતિ શિબિરોનું આયોજન ઓસમ ડુંગર પર યોજવાનું નકકી કરેલ છે. લગ્નમાં પણ ફટાકડા પ્રતિબંધ, કેમીકલયુકત પીણા બંધ અને સાદાઈથી લગ્ન કરવાનું નકકી કરેલ છે. પર્યાવરણ પાછળ યથાશકિત ફંડ વાપરવાનું નકકી કરેલ છે. વાહ ભાઈ વાહ ! રમેશભાઈ પી.પટેલ ઉગામેડીની શાળામાં આચાર્ય છે. પુત્રની સગાઈ પ્રસંગે પણ ચકલીના માળા, પ્લાસ્ટીકના ચબુતરા ઉપરાંત ૨૦૦ રોપાનું ફ્રી વિતરણ કર્યું હતું. તેમને આ કામમાં પરિવારના સભ્યો ઉપરાંત વી.ડી.બાલા, બાબુભાઈ ગઢીયા, નારણભાઈ સતવારા, મુકેશભાઈ અણધણ વગેરે સાથ આપે છે. તેઓ છાત્રોને પણ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની શીખ આપે છે.