- વે–બ્રિજ નીચે માણસો ઉતારી વજનમાં ગોટાળા કરી વિજ તંત્રને લાખોનું નુકસાન પહોંચાડવાનું કૌભાંડ વીજ તંત્ર ની સતર્કતાના કારણે બહાર આવ્યું
- પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે મોરબીની બે પેઢી ના સંચાલકો અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધ્યો
- પોલીસની તપાસમાં મોરબી ની ગેંગનું કાવતર સામે આવ્યું: નજીકના ભવિષ્યમાં જ સમગ્ર કૌભાંડ ખૂલે તેવી શક્યતા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસ મોટુ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું વિજતંત્રની ચકાસણી અને સતર્કતા બાદ ધ્યાનમાં આવ્યું હતું. આસપાસના વે બ્રિજમાં માણસોને અંદર ઉતારી લઈ વજન કરતી સમયે જેક લગાવી કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને વિજ તંત્રને ૪૧ લાખનું નુકસાન પહોંચાડ્યા ફરિયાદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટિમ ઊંડાણપૂર્વકની તપાસમાં લાગી ગઈ છે, અને નજીકના ભવિષ્યમાં જ સમગ્ર કૌભાંડ ભહાર આવે તેમ મનાઈ રહ્યું છે, અને ચોક્કસ ગેંગ નું કારસ્તાન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ફરિયાદ ના બનાવ ની વિગત એવી કે જામનગર પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જુના ઇલેક્ટ્રીક વાયર– કંડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો, અને તેની ઓનલાઈન મારફતે હરાજી કરી લેવાઈ હતી. અને કુલ ૮૨ ટન માલની હરાજી થઈ હતી.
જેમાં સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રેક્ટ મળ્યો હતો, અને તે પેઢીએ ત્રણ કરોડ રૂપિયા વિજતંત્રમાં જમા કરાવી દેવાયા બાદ તેઓને જામનગર માંથી ભંગારનો માલ સામાન ઉપાડવા માટેની એન.ઓ.સી. મળી ગઈ હતી.
જે અનુસાર તેઓએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો, અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે ૬૦ ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો.
છેલ્લા દસેક દિવસના સમયગાળા દરમિયાન ઉપરોક્ત ભંગાર નો માલ ભરી લીધા બાદ આસપાસના વિસ્તારમાં આવેલા પ્રણામી, રાધિકા અને ભાનુ નામના વે બ્રિજમાં વજન કરાવાતું હતું. જેમાં આશરે ૨૧ ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું વિજ અધિકારીઓની ઝીણવટ ભરી તપાસ અને સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું. પીજીવીસીએલ દરેડના સ્ટોર વિભાગના ના નાયબ ઈજનેર અજય પરમાર ને સમગ્ર પ્રકરણની ગંધ આવી જતાં તેઓએ વજન કાંટા પર જઈને તપાસણી કરવાનું નક્કી કર્યું હતું, તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ વજન કાંટામાં નીચેથી વજનમાં કોઈ ઘાલ મેલ થતી હોવાની શંકા જોવા મળી હતી.
જેથી અગાઉથી ટ્રક જતા પહેલાં જ વે બ્રિજમાં નીચે ઉતરવાના મેઈન હોલ પાસે જઈને તપાસણી કરતાં અંદર એક માણસ અગાઉથી ઉતરેલો હોવાનું અને ટ્રકનું જ્યારે વજન કરવામાં આવે, ત્યારે તેમાં જેક લગાવી દેતો હોવાથી ટ્રકમાં વજન ઓછું દર્શાવાય અને માલ વધુ ભરેલો હોય તે રીતનું કૌભાંડ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવ્યું હતું.
જેથી વિજતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ત્યાં પી.આઈ વિરેન રાઠોડ અને તેઓની ટીમને સમગ્ર હકીકત જણાવી હતી જ્યારે વે બ્રિજ નું ઢાંકણ ખોલીને અંદર અગાઉથી માણસ સંતાઈ જતો હોય, તે પ્રકારનો વિડીયો બનાવી લીધો હતો, અને પુરાવા સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
જેના આધારે પીઆઇ વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વિજતંત્ર ના એરિયામાંથી મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલને ૪૧,૬૮,૩૧૫ નું નુકસાન પહોંચાડવાનો કારસો રચાયો હોવાનું ધ્યાનમાં આવતાં તે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જેમાં પીજીવીસીએલના કર્મચારી નૂરમહમદભાઈ વલીભાઈ ખીરા ફરિયાદી બન્યા હતા, અને મોરબીની બે પેઢી અને તેની સાથે જોડાયેલા તમામ સભ્યો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધ્યો છે.
પોલીસ દ્વારા આ પ્રકરણમાં યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં વેબ્રિજના સીસીટીવી કેમેરા વગેરેની ચકાસણી કરાવતાં ત્રણેય વે બ્રિજ ના માલિકોને કોઈપણ પ્રકારની જાણકારી ન હતી, પરંતુ મોરબીની ચોક્કસ ગેંગ કે જેના માણસો કોઈને ધ્યાન ન પડે તે રીતે મોડીરાત્રીના અંદર ઉતરીને સંતાઈને રહે છે. જે લોકોને રોકાવાની ખાવા પીવા સહિતની અંદર જ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે.
જેઓ પોતાનો મોબાઈલ ફોન અને જેક લઈને અંદર ઉતરતા હતા, જ્યારે ચોક્કસ ટ્રક વજન કરાવવા માટે આવે, ત્યારે સંતાયેલો માણસ જેક લગાવી દેતો હોવાથી ટ્રકમાં માલ ભરેલો હોય તેના કરતા ઓછું વજન દર્શાવાય તેવું નવતર પ્રકારનું કૌભાંડ રચવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
જે સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે અને નજીકના ભવિષ્યમાં જ મોરબીની ચોક્કસ ગેંગ આ પ્રકરણમાં પકડાય, અને તમામ મુદ્દા માલ પરત મળી જાય તેવું જાણવા મળી રહ્યું છે.