નવી શિક્ષણ નીતિ અંગે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પરામર્શ કરતા પંચના ચેરમેન જસ્ટિસ નરેન્દ્ર જૈન

લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓના રાષ્ટ્રીય પંચના ચેરમેન જસ્ટિસ  નરેન્દ્ર જૈને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસના ભાગરૂપે આજે વિવિધ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પંચના ચેરમેન તેમજ સચિવને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. ચેરમેન  જૈને દેશમાં લઘુમતિ દરજ્જાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, બંધારણમાં મૂળભૂત અધિકારોમાં જ લઘુમતીઓના અધિકારો સમાવિષ્ટ છે, જેને કોઈ છીનવી શકતું નથી. લઘુમતી સમુદાયના ઉત્થાન માટે લેવાયેલા પગલાંઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે,  કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી વિકાસ આર્થિક નિગમની રચના કરીને રૂપિયા 3000 કરોડની ફાળવણી કરી છે.

એમ.એસ. એમ.ઈ.માં પણ લઘુમતી માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. પઢો પરદેશ , શીખો ઔર કમાઓ જેવી યોજનાઓનો લાભ લેવા તેમણે ઉપસ્થિત લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને જણાવ્યું હતું.નવી શૈક્ષણિક નીતિ 2020 અંગે જસ્ટિસ જૈને વિવિધ સંસ્થાઓ પાસેથી અભિપ્રાયો જાણ્યા હતા. અને ઉમેર્યું હતું કે, એન.ઈ.પી.માં શૈક્ષણિક સંસ્થાઓને ગુણવત્તા મુજબના માપદંડ પ્રમાણે ફી માળખું નક્કી કરાશે.

જેના મોનિટરીંગ માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવશે. આ બેઠકમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર  કેતન ઠક્કર, જિલ્લા શિક્ષણ અધિકારી  બી.એસ.કૈલા, વિવિધ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.