ઉ.કોરીયાએ કોરોના ફેલાવવા મોકલ્યો: સોશિયલ મીડિયામાં ચર્ચા
મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું ગોળો કયાંથી આવ્યો ? કયાં ગયો ? એની સરકારને ખબર નથી !!
જાપાનના સેંદાઈ શહેરના આકાશમાં દેખાયેલા એક સફેદ ગોળાએ સમગ્ર જાપાનમાં ચકચાર મચાવી છે. આ અંગે અવનવી વાતો વહેતી થઈ છે.
જાપાનના શેંદાઈ શહેરના આઓબા વોર્ડ ઉપર આકાશમાં એક સફેદ ગોળો દેખાયો હતો. જે કલાકો સુધી આકાશમાં રહ્યો હતો આકાશમાં ધીમીગતિએ આગળ વધતો જણાતો હતો અને બાદમાં પ્રશાંત મહાસાગર ઉપર જઈ ગાયબ થઈ ગયો હતો.
કેટલાક લોકોએ તેને મોસમ વિભાગનું બલૂન ગણાવ્યું તો કેટલાક લોકોએ તેને યુએફઓ કહ્યું તો કેટલાક લોકોએ ‘એલીયન શીપ’ હોવાનું કહ્યું.
આકાશમાં દેખાયેલા આ સફેદ ગોળા નીચે સામસામે બે પ્રોપેલર લગાડાયા હતા જે તેને ઉડવામાં મદદ કરતા હતા. પહેલા લોકોને એવું લાગતુ હતુ કે જાપાનના હવામાન વિભાગે આકાશમાં આ ગોળો છોડયો હતો પણ હવામાન વિભાગે આવો કોઈ ગોળો છોડ્યો નહોવાનું જણાવ્યું હતુ.
જાપાન સરકારના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીહિદે સુગાયે જણાવ્યું હતુકે અમારી સરકારને આ સફેદ ગોળો કયાંથી આવ્યો અને કયાં ગયો તેની કોઈ ખબર જ નથી એનો માલિક કોણ છે તેની પણ અમને ખબર નથી.
આકાશમાં લાંબો સમય દેખાયેલા અને બાદમાં ગુમ થઈ ગયેલા આ સફેદ ગોળા (ફૂગ્ગા) અંગે કેટલાક લોકોએ સોશિયલ મીડીયામાં લખ્યું કે આ ગોળો ઉત્તર કોરીયાએ જાપાનમાં કોરોના વાયરસ ફેલાવવા માટે મોકલ્યો છે. જોકે આવી અફવાઓને કોઈ નકકર સમર્થન મળ્યું નથી કે કોઈ નકકર જાણકારી મળતી નથી. આ ગોળો હવે શેંદાઈના આકાશમાંથી ગૂમ થઈ ગયો છે.