પત્ની સાથે ન્યાય ન કરી શકે તેવા પુરુષને ફરીથી લગ્ન કરવાની કુરાન પણ મંજૂરી આપતું નથી: અલ્હાબાદ હાઇકોર્ટ
અલ્હાબાદ હાઇકોર્ટે એક લેન્ડમાર્ક સમાન ચુકાદો આપ્યો છે. જેમાં હાઇકોર્ટે મુસ્લિમ પુરુષને બીજા લગ્ન કરવા અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, જો મુસ્લિમ પુરુષ તેની પ્રથમ પત્ની અને બાળકોની સંભાળ રાખવા માટે સક્ષમ નથી તો તે પુરુષને બીજા લગ્ન કરવાનો પણ અધિકાર નથી.
ઘણીવાર એવું બનતું હોય છે કે, પુરુષ બીજા લગ્ન કર્યા બાદ પોતાની પ્રથમ પત્ની અને બાળકોની સાર સંભાળ લેવાનું બંધ કરી દેતો હોય છે. જેના લીધે પ્રથમ પત્ની અને બાળકો બિલકુલ નિરાધાર થઈ જતા હોય છે. પ્રથમ પત્નીએ ગુજરાન ચલાવવા માટે વલખા મારવા પડે છે તેવા સમયમાં કોઈ પણ મહિલાએ આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેવા ઉદ્દેશ્ય સાથે અલ્હાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
મુસ્લિમ પુરુષના બીજા લગ્ન સાથે જોડાયેલા મહત્વના નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ મુસ્લિમ પુરુષ તેની પત્ની અને બાળકોની સંભાળ ન રાખી શકે તો કુરાન તેને બીજી વખત લગ્ન કરવાની મંજૂરી આપતું નથી. હાઇકોર્ટે એક મુસ્લિમ મહિલાને તેના પતિ સાથે રહેવાની ફરજ પાડવાનો ઇનકાર કર્યો હતો, જેણે તેની પત્નીની સંમતિ વિના અને તેને જાણ કર્યા વિના ફરીથી લગ્ન કર્યા હતા.
19 સપ્ટેમ્બર 2022 ના રોજ આપવામાં આવેલા આ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે નાગરિકોના મૂળભૂત અધિકારો પર ભાર મૂકતા કહ્યું હતું કે, સમયની જરૂરિયાત લોકોને જાગૃત કરવાની અને તેમને જણાવવાની છે કે મહિલાઓ સાથે સાથે વ્યવહાર કરવો જરૂરી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જે દેશ મહિલાઓનું સન્માન કરે છે તેને જ સંસ્કારી દેશ કહી શકાય. કોર્ટે કહ્યું, મુસલમાનોએ એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાથી બચવું જોઈએ. કુરાન પોતે એક જ પત્ની સાથે ન્યાય ન કરી શકે તેવા મુસ્લિમ પુરુષને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપતું નથી. હાઈકોર્ટે કુરાનમાંથી ટાંકયું કે જો કોઈ મુસ્લિમ તેની પત્ની અને બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ ન હોય તો તેને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કોર્ટે કહ્યું કે જો કોર્ટ તેને પહેલી પત્નીની ઈચ્છા વિરુદ્ધ પતિ સાથે રહેવા માટે દબાણ કરે છે તો તે મહિલાના સન્માન અને વ્યક્તિગત સ્વતંત્રતાના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન હશે. જસ્ટિસ એસ પી કેસરવાણી અને રાજેન્દ્ર કુમારની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે જો પત્નીને આવા સંજોગોમાં તેના પતિ સાથે રહેવાની ફરજ પાડવામાં આવે છે, તો તે ભારતના બંધારણની કલમ 21 હેઠળના તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ફરિયાદીએ બીજી વખત લગ્ન કર્યા બાદ તેની પ્રથમ પત્નીને આ અંગે જાણ કરી ન હતી. તે તેની બંને પત્નીઓ સાથે રહેવા માંગતો હતો, જો કે પ્રથમ પત્નીએ તે પુરુષ સાથે રહેવાની અને તેને અન્યસ્ત્રી સાથે શેર કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ પતિએ દાંપત્ય અધિકાર પુન:સ્થાપિત કરવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ફેમિલી કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી. જે બાદ આ આદેશને પડકારતાં પતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.