સસ્પેન્સ થ્રીલર જેવી રહસ્યમય તાણાવાણા સર્જતી ઘટનાનો મોબાઈલ ડિટેઇલના આધારે ભેદ ઉકેલાયો
પ્રેમી યુગલ સહિત ત્રણ શખ્સોએ 14 દિવસ પહેલા હત્યા કરી તરધડીમાં દાટી દીધેલો મૃતદેહ પોલીસે મામલતદારની હાજરીમાં બહાર કાઢી ફોરેન્સિક પીએમ કરાવ્યું
હત્યાના ગુનામાં બેની ધરપકડ મુખ્ય કાવતરાખોરની શોધખોળ
પડધરી તાલુકાના તરઘડી ગામે સસ્પેન્સ થ્રીલર જેવી હત્યાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. જેમાં 14 દિવસથી લાપતા યુવાનની અનૈતિક સંબંધના કારણે હત્યા થઈ હોવાનુ સામે આવતા નાના એવા ગામમાં ચકચાર મચી ગયો છે. આ રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાનો ભેદ પોલીસે કોલ ડીટેલના આધારે ઉકેલી બેની ધરપકડ કરી મુખ્ય કાવતરાખોર શખ્સની શોધખોળ હાથધરી છે. તો બીજી તરફ 14 દિવસ પહેલા હત્યા કરી યુવાનના દટાયેલા મૃતદેહને પોલીસે મામલતદારની હાજરીમાં બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના તરઘડી ગામનો ગૌતમ જયંતીભાઈ ગોહેલ નામનો 23 વર્ષીય યુવાન છેલ્લા 15 દિવસથી લાપતા હોય જેનો મૃતદેહ પોલીસને દાટેલી હાલતમાં મળી આવતા નાના એવા ગામમાં ચકચાર મચી ગયો હતો.આ અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ગૌતમ ગોહેલ બે વર્ષ પહેલા તેના જ ગામના શૈલેષ લખમણ જાપડાની પત્નીને ભગાડી ગયો હતો. પરંતુ જે તે સમયે એક અઠવાડિયામાં જ બંને પરત આવી જતા બંને સમાજના આગેવાનો સાથે મળીને સમાધાન કર્યું હતું અને સમાધાન પેટે ગૌતમે રૂ.1.11 લાખ શૈલેષને આપ્યા હતા.
પરંતુ આ વાત હજુ ક્યાઈકને ક્યાંક શૈલેષ અને તેના ભાઈ સાગરને ખૂચતી હતી. જેના કારણે સાગરે તેના મિત્ર જીગરની કુવાડવા રહેતી પ્રેમિકાની નાની બહેન સાથે સબંધ કેળવ્યો હતો. ત્યાર બાદ સાગરે તેની પ્રેમિકાને કહી ગૌતમ સાથે સબંધ કેળવી તેને 14 દિવસ પહેલા ગૌરીદડ મળવા માટે બોલાવ્યો હતો.
તો બીજી તરફ ગૌતમના પરિવારજનોએ પોલીસમાં ગુમનોંધ નોંધાવતા પોલીસે કોલ ડીટેલના આધારે તપાસ કરતા છેડો કુવાડવા સુધી પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સાગરની પ્રેમિકાની પૂછતાછ શરૂ કરી હતી. જેમાં સાગરની પ્રેમિકાએ જણાવ્યું હતું કે સાગરના કહેવાથી પોતે ગૌતમ સાથે સોશિયલ મીડિયાના આધારે સબંધ કેળવી તેને મળવા માટે ગૌરીદળ બોલાવ્યો હતો. જ્યાં સાગર અને શૈલેષે પાઈપ ફટકારી ગૌતમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ બંને ભાઈઓએ ગૌતમના મૃતદેહને બોલેરોમાં ભરી લઈ ગયા હતા.
જેના આધારે પોલીસે તુરંત શૈલેષની અટકાયત કરી પૂછતાછ કરતા સમગ્ર ઘટના મામલે ભાંડો ફૂટ્યો હતો. શૈલેષના જણાવ્યા મુજબ ગૌતમને મોતને ઘાટ ઉતારી મૃતદેહને વાડામાં દાટી દીધો હતો. જેથી પોલીસે મામલતદારની હાજરીમાં જેસિબીની મદદથી મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. પોલીસે શૈલેષ અને સાગરની પ્રેમિકાની ધરપકડ કરી મુખ્ય કાવતરા ખોર સાગરની શોધખોળ હાથધરી છે.