વીમા કંપનીમાં પોલિસી મજૂર થવાની જ હતી ત્યાં મરણના દાખલા તલાટી અને ગ્રામ પંચાયતમાં વેરીફાઈ થતા ભાંડો ફૂટ્યો : એકની શોધખોળ
ખંભાળિયામાં આવેલી રિલાયન્સ નીપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં જુદા જુદા ગામોના 45 જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવાના કૌભાંડમાં ત્રણ સબ સેલ્સ મેનેજર સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે. જે મામલે પોલીસે છની ધરપકડ કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
વિગતો મુજબ મુંબઈના બાંદ્રા તાબેના વિક્રોલી ખાતે રહેતા અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ (પૂર્વ)માં આવેલી રિલાયન્સ નિપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુદેવ દિગંબરભાઈ પુંડલીક ટીકમ દ્વારા ખંભાળિયાની રિલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ મેવુ ભરવાડ, ધના રામ નંદાણીયા અને ખીમા ચાવડા ઉપરાંત ભરત દેવાભાઈ નંદાણીયા, રાજેશ ઉર્ફે રાજુ મગનભાઈ જગતીયા, અરજણ ભીખાભાઈ આંબલીયા, રામ મચ્છા વેજાભાઈ મુંધવા નામના કુલ સાત શખ્સો ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રિલાયન્સ નીપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં વીમા પોલિસી મંજૂર થવા માટે વેરિફિકેશન કરનાર એજન્સી તરફથી કોઈ ગેરકાયદેસર તજવીજ થઈ હોવા અંગેની માહિતી મળી હતી. તો કંપનીના અધિકારી ફરિયાદી વાસુદેવ દ્વારા પોલીસ સાથે લાયઝનિંગ કરી, અભ્યાસ કરીને ગેરકાયદેસર રીતે ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવે છે.વર્ષ 2008થી ડિસેમ્બર 2019 દરમિયાન ખંભાળિયાની બ્રાન્ચ ખાતે અલગ-અલગ વિમાદારની કુલ 77 વીમા પોલિસીના ક્લેમ થયા હતા. જે અંગે સ્થાનિક ગ્રામ પંચાયત કે કચેરી ખાતે વેરિફિકેશનમાં 32 વીમાધારકના મરણના દાખલા ખરા હોવાનું જાહેર થયું હતું. જ્યારે અન્ય 45 વીમા પોલિસીમાં વીમાધારકના મરણના દાખલાની યોગ્ય નોંધ ન હોવાથી તેઓના મરણના દાખલા ખોટા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આમ, જુદા જુદા નામની 45 વીમા પોલિસીમાં જેતે વખતે સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ ભરવાડ, ધના નંદાણીયા તથા ખીમા ચાવડા દ્વારા ગુનાહિત કાવતરુ રચી પોતાના અંગત ફાયદા માટે વીમાધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવ્યા. તેના ખરા તરીકે ઉપયોગ કરી રિલાયન્સ નીપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપની તેમજ વીમા ધારકો સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી હતી. ખોટા ડેથ ક્લેમ મૂકી અને કુલ રૂ.૧.૦૩ કરોડની રકમની ડેથ ક્લેમ કરવામાં આવી હતી.જેથી આ મામલે પોલીસે છ શખ્સોની અટકાયત કરી હતી. એકની શોધખોળ શરૂ કરી છે.