દિલ્હી વટહુકમ બિલ આજે લોકસભામાં પસાર થાય તેવી શકયતા : ભાજપના સાંસદોને વ્હીપ આપી દેવાયા, અન્ય પક્ષોનો પણ સહયોગ મળે તેવી એનડીએને આશા

સંસદના ચોમાસુ સત્રમાં સતત હોબાળો ચાલી રહ્યો છે.  હંગામો એટલો વધી ગયો કે બુધવાર, 2 ઓગસ્ટે લોકસભા સ્પીકર પોતાની ખુરશી પર બેઠા ન હતા.  વિપક્ષી સભ્યોના સતત હોબાળાને કારણે તેઓ નારાજ હોવાનું કહેવાય છે. બીજી તરફ વિપક્ષોની અવિશ્વાસની દરખાસ્ત હવે અવિશ્વાસમાં પરિણમે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

ગઈકાલે લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા થવાની હતી, પરંતુ તે પહેલા જ વિપક્ષે હંગામો શરૂ કરી દીધો હતો.  દિલ્હી સર્વિસ બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બિલ પર ગુરુવારે એટલે કે આજે પણ લોકસભામાં ચર્ચા થઈ શકે છે.  બીજી તરફ, ભાજપે લોકસભાના સાંસદોને વ્હીપ જારી કરીને 3 ઓગસ્ટના રોજ આખો દિવસ ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.  બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દાવો કર્યો હતો કે આ બિલ રાજ્યસભામાં પાસ નહીં થાય.

ભારતીય જનતા પાર્ટીએ વ્હીપ જારી કરીને લોકસભામાં તેના તમામ સાંસદોને ગુરુવારે દિવસભર હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.  ભાજપના તમામ લોકસભા સાંસદોને જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે લોકસભામાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજને ચર્ચા અને પસાર કરવા માટે લાવવામાં આવશે. આ ઉપરાંત એનડીએને ટીડીપી સહિતના સાથી પક્ષોનો પણ સહયોગ મળે તેવી એનડીએ આશા સેવી રહ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલ દિલ્હી સરકારના અધિકારો અને સેવાઓ સંબંધિત બિલ – ‘ગવર્નમેન્ટ ઑફ ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (એમેન્ડમેન્ટ) બિલ, 2023’ પર આજે ચર્ચા થવાની છે.  સરકાર આ બિલને આજે જ લોકસભામાંથી પસાર કરાવી શકે છે.

એક તરફ આ બિલને રોકવા માટે જ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો પાલવ પકડીને વિપક્ષોની છાવણીમાં સામેલ થઈ હતી. પરંતુ આ બિલને લોકસભામાં વીપક્ષો રોકી શકે તેમ નથી. તેવામાં કોંગ્રેસની સાથે જવું આપ માટે નિરર્થક સાબિત થાય તો નવાઈ નહિ. બીજી તરફ લોકસભામાં વિપક્ષોની છાવણીએ જે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. જેને લઈને તા.8એ ચર્ચા થવાની છે. ત્યારે સમગ્ર દેશની નજર તેના ઉપર મંડરાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.