ફાયર બ્રિગેડ ટીમે કુનેહતા દાખવી સહી સલામત રીત બહાર કાઢ્યા
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રવિવારે રાત્રે 8.20 વાગ્યાના અરસામાં એક જુનવાણી મકાન ધરાસાઈ થયું હતું, જેમાં માતા- પુત્ર ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ કુનેહતા દાખવીને બારીના સળિયા તોડી અંદર પ્રવેશ મેળવી લઇ માતા પુત્રને સહી સલામત રીતે બહાર કાઢીને પ્રશંસનીય ફરજ અદા કરી હતી.
જામનગર ના ખોજાનાકા વિસ્તારમાં હજામ ફળી વિસ્તારમાં રાત્રિના 8.20 વાગ્યાના અરસામાં એક જુનવાણી મકાનનો આગળનો હિસ્સો ધરાસાઈ થઈ ગયો હતો, અને મકાનનો દરવાજો તથા બહાર નીકળવાનો રસ્તો બંધ થયો હતો. જે મકાનમાં રહેતા જેતુનબેન ફિદા હુસેન કપાસી નામના 80 વર્ષના વૃદ્ધ મહિલા તેમજ તેમના પુત્ર મોહસીન ફિદાહુસૈન કપાસી (ઉ.વર્ષ 50) કે જે બંને મકાનના કાટમાળ ની અંદર ફસાઈ ગયા હતા.
જે અંગેની જાણકારી ફાયર બ્રિગેડની ટીમને મળતાં આસિ.ફાયર ઓફિસર સી.એસ.પાંડિયાન, તેમજ સ્ટાફના જસ્મીન ભેસદડીયા, સંદીપ પંડ્યા, જેન્તીભાઈ ડામોર, રણજીત પાદરિયા, હેપલ વારા, હરદીપસિંહ જાડેજા, અજય પાંડે સહિતની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કુનેહતા દાખવીને સૌપ્રથમ બારીના સળિયા કાઢી લીધા હતા, ત્યારબાદ એક પછી એક ફાયરના જવાનોએ બારી વાટે અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને બાકીનો હિસ્સો ધસી પડે તે પહેલાં સહી સલામત રીતે બારી માંથીજ માતા પુત્રને બહાર કાઢી લીધા હતા. જેઓને સામાન્ય ઇજા થઈ હોવાથી 108 નંબરની એમ્બયુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ફાયર ની ટીમે બંને વ્યક્તિને જીવિત બહાર કાઢી લીધા હતા, જેથી આડોશી પાડોશીઓએ ફાયર ની ટીમને બિરદાવ્યા હતા.