જવાનોની શહીદીનો બદલો લેવા સૈન્ય તૈયાર
ભારત-પાકિસ્તાન સરહદે ભિષણ કાર્યવાહીના ગૃહમંત્રી રાજનાથસિંઘના સંકેત
ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ જેવા વધુ એક યુધ્ધના સંકેતો ગૃહમંત્રી રાજનાથસિંઘે આપેલા નિવેદનથી મળી રહ્યાં છે. તાજેતરમાં બીએસએફ જવાનની હત્યા કરી પાકિસ્તાને કરેલા હિન કૃત્યનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપી રહ્યું હોવાનું ગૃહમંત્રીએ કહ્યું છે.
ગૃહમંત્રી રાજનાથસિંઘે ગઈકાલે પોતાના નિવેદનમાં સરહદ પર મોટી કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેમના નિવેદન બાદ જાત-ભાતનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. તેમણે ગઈકાલે કહ્યું હતું કે, કંઈક મોટુ થયું છે હું તમને કહીશ નહીં, વિશ્વાસ કરો ઠીકઠાક થયુ છે. છેલ્લા બે થી ત્રણ દિવસમાં મોટી કાર્યવાહી થઈ હોવાનો કયાસ તેમના નિવેદનથી નિકળી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ભવિષ્યમાં આનાથી પણ મોટી કાર્યવાહી થશે. જેનાથી જણાય આવે છે કે, આગામી સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પણ થઈ શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં આપણા બીએસએફ જવાનોને કહ્યું છે કે પાકિસ્તાન આપણુ પડોશી છે, તમે પહેલી ગોળી ન ચલાવતા અને જો ત્યાંથી એક ગોળી ચાલે તો તમારી ગોળી ગણતા નહીં, તમે જડબાતોડ જવાબ આપજો. ગૃહમંત્રી રાજનાથસિંઘના આ નિવેદન બાદ નજીકના ભવિષ્યમાં ભારતીય સૈન્ય પાકિસ્તાન ઉપર કડક કાર્યવાહી કરે તેવા એંધાણ જણાઈ રહ્યાં છે.
ગઈકાલે ગૃહમંત્રી રાજનાથસિંઘે મુઝફફરનગરમાં શહિદ સ્મારક પર સરદાર ભગતસિંહની પ્રતિમાનું લોકાર્પણ પણ કર્યું હતું અને કાર્યક્રમને સંબોધ્યો હતો. આ સંબોધન દરમિયાન તેમણે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી અને ભવિષ્યમાં લેવાનાર પગલાના સંકેત આપ્યા હતા.
બીજી તરફ બોર્ડર સિકયુરીટી ફોર્સ (બીએસએફ)ના ડિરેકટર જનરલ (ડીજી) શર્માએ પાકિસ્તાનને ખરા સમયે મુહતોડ જવાબ આપી ભારતીય જવાનની શહિદીનો બદલો લેવામાં આવશે તેવું કહ્યું છે. પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમે બીએસએફના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનું અપહરણ કરી ગોળી મારી ગળુ કાપી હત્યા કરી હતી. આ પ્રકારની નાપાક હરકત અગાઉ પાકિસ્તાની સૈન્ય એલઓસી નજીક અવાર-નવાર કરતુ આવ્યું છે.
હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના જવાનની હત્યા નિપજાવનાર પાકિસ્તાનને કડક જવાબ અપાશે તેવું ગૃહમંત્રી રાજનાથસિંઘ અને બીએસએફના ડીજી શર્માના નિવેદન પરથી ફલીત થાય છે. નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પણ છેડાઈ શકે છે.