- ચૈતર વસાવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, ‘આપ’ કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા.
- પોલીસ પાસે કોઈ પુરાવા નથી કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી, ફક્ત ઉપજાવી કાઢેલી વાતો છે: ચૈતર વસાવા
ગુજરાત ન્યૂઝ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ચૈતરભાઈ વસાવાને કોર્ટ તરફથી શરતી જામીન મળતા, આજે તેઓ જેલની બહાર આવ્યા હતા અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ચૈતરભાઈ વસાવાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ચૈતરભાઈના વકીલ ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, યુવાનેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે ક્યારેય પણ ભાજપ સામે ઝુકીશું નહીં: ચૈતર વસાવા
ત્યારબાદ ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં મૌવી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓએ ચાર દિવસ બાદ મારા પર ફરિયાદ કરી અને હજુ સુધી પોલીસ પાસે કોઈ પુરાવા નથી કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી ફક્ત ઉપજાવી કાઢેલી વાતો છે. પોલીસે કયું છે કે હું માથાભારે માણસ છું અને જાનમાલને નુકસાન કરું છું. અમે કોઈની જાનમાં નુકસાન કર્યું નથી અને હું કોઈ માથાભારે માણસ પણ નથી. આ સમગ્ર કેસમાં પોલીસે અને ભાજપે બનાવેલી વાતો છે. આવનારા સમયમાં સત્યનો વિજય થશે.
ભાજપે સામસામ દંડ ભેદની નીતિ અપનાવી છે. પરંતુ અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે અમે ક્યારેય પણ ભાજપ સામે ઝુકીશું નહીં. છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મ પત્ની જેલમાં છે. મને નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા હતા. અમે તેને આવકારીએ છીએ અને આ શરતોને દૂર કરવા માટે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. વન વિભાગના કર્મચારીઓને જાણ હોવી જોઈએ કે સદીઓથી આ જળ, જંગલ અને જમીન આદિવાસીઓની છે અને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને જે જમીનનો મળી છે તે અમે ખેડી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકોને હજુ જમીન નથી મળી, તેના માટે પણ અમે લડત લડીશું.
અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના અને જીતવાના પણ : ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી જેલમાં મારી મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું હતું. હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છીએ. અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના પણ છીએ અને જીતવાના પણ છીએ.