વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ અને રેલનગર કોમ્યુનિટી હોલનું કામ પૂર્ણતાના આરે
લોકોની સુખાકારી અને સારા-માઠા પ્રસંગો માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.9માં અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ અને વોર્ડ નં.10માં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ શહેરના ઘરેણાં સમાન છે. વોર્ડ નં.1માં સંતોષ પાર્કમાં નવા આધુનિક કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નં.17માં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં બની રહેલા કોમ્યુનિટી હોલનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે હવે સફાઇ કામદારો માટે એક આધુનિક હોલ બનાવવાની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે. આ કામ માટે રૂ.4 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.
સ્વચ્છતામાં ઉંધામાથે પટકાયા બાદ અલગ-અલગ સેલ બનાવાયા
સ્વચ્છ સિટી યુનિટી અંતર્ગત પ્રોજેક્ટ સેલ, સ્વચ્છતા સર્વેક્ષણ સેલ અને એસડબલ્યૂએમ સેલની બજેટમાં ઘોષણા
દેશના સૌથી સ્વચ્છત શહેરોમાં સાતમા ક્રમે રહેલું રાજકોટ છેક 29માં ક્રમે ધકેલાયા બાદ કોર્પોરેશન દ્વારા આજે ડ્રાફ્ટ બજેટમાં વિવિધ સેલ ઉભા કરવાની ઘોષણા કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ સેલ ઉભો કરાયો છે. જે સોલીડ વેસ્ટ વિભાગની તમામ સેવાઓનું સંકલન કરી હયાત ખામીઓનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરશે. ઉપરાંત ઘનકચરા, પ્લાસ્ટીક વેસ્ટ, ડિમોલીશન વેસ્ટ માટે નવી આવિષ્કાર પામતી, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના પર ધ્યાન કેન્દ્રીત કરશે. સરકાર દ્વારા સ્વચ્છતા અન્વયે સ્વચ્છ ભારત મિશન યોજના અને 15માં નાણાપંચની જે ગ્રાન્ટ પ્રાપ્ત થશે તેનું મોનિટરીંગ કરશે. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ સેલ અને એસડબલ્યૂએમની પણ ઘોષણા કરવામાં આવી છે. શહેરમાં વાયુ પ્રદૂષને નિયંત્રણમાં રાખવા માટે તથા હવા શુદ્વિકરણ માટે પણ ઇરાદા જાહેર કરવામાં આવ્યા છે.