કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલોની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો.
ATR બિલ્ડીંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ બંધક બનાવ્યાની ઘટના જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી. મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત, CISF યુનિટે નોર્થ ગેટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરી હતી. જોકે, આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામ મદદનીશ કલેક્ટરનો સંપર્ક કરાવવા કહ્યું હતું.
આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો, જે હાલ કચ્છની જેલમાં બંધ છે તે 4 આતંકવાદીઓને છોડવા, સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને રૂ. 20 કરોડ કેશ આપવા માંગણી કરી હતી. બે કલાકમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બંધકોને નુકસાન પહોંચાડશે તેમ ધમકી આતંકવાદીઓએ આપી હતી. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને એજન્સીઓએ આતંકવાદીઓ પાસેથી વધુ સમય માગીને રાજ્યની સ્પેશિયલ ફોર્સ એવી ચેતક કમાન્ડો ફોર્સને બોલાવી હતી.
મોકડ્રીલના ઘટનાક્રમ મુજબ આ બિલ્ડીંગમાં ઘૂસેલા 3 આતંકવાદીઓ વિશેની પ્રાથમિક માહિતી સીઆઈએસએફ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એકઠી કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે રણનીતિ બનાવીને બિલ્ડીંગ અંદર જઈને બંધકોને છોડાવવા તેમજ આતંકવાદીઓને ઠાર કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે, ID બ્લાસ્ટ, ટીયર શેલ અને ઘાતકી ટ્રેપ્સ હોવાના લીધે અંતે રાજ્યની ચેતક કમાન્ડો ફોર્સ જ અંદર જઈને ઓપરેશન પૂર્ણ કરશે તેમ નિર્ણય કરવામાં આવ્યો હતો.
મોકડ્રીલની નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગ થકી બિલ્ડીંગ અંદર જઈને 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. કોઈપણ નુકસાન વગર 4 બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફોર્સે સફળતા મેળવી હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો ફોર્સની બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જ્યારે બ્લૂ ટીમે ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક મોકડ્રીલ 6 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
ભારતી માખીજાણી